અમદાવાદ-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પંસદગી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વર્તમાન ચૂંટાયેલ પ્રતિનિધિના પત્તા કપાઇ શકે છે. અમદાવાદ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક સિનિયર કાઉન્સિલર ચૂંટણી લડવા માંગતા નથી. તો કેટલાક નેતાઓ પોતાના સંગા સંબંધીઓને ટિકિટ આપવા માટે લોબિંગ કરી રહ્યાછે. ત્યારે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય અને કાઉન્સિલર ઇમરાન ખેડાવાલએ ફરી એક વાર ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પાર્ટી કહેશે તો ફરી કાઉન્સિલર ચૂંટણી લડીશ. કોંગ્રેસ ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના અપક્ષ કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાએ મનપાની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.

તેમના લડવાથી પાર્ટી વધારે મજબૂત બનવાનો ખેડાવાલાએ દાવો કર્યો છે. ખેડાવાલા છેલ્લી ચાર ટર્મથી અમદાવાદ મનપામાં કોર્પોરેટર છે. ૨૦૧૭માં જમાલપુર-ખાડિયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ખાડિયાના મતદાતાઓની માંગ છે કે હું મનપા ચૂંટણી લડું. મારા લડવાથી જમાલપુર, ખાડિયા અને બહેરામપુરમાં અસર થશે. ખાડિયામાં ૪૫ વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાય છે. ખાડિયા વોર્ડમાં લડવાથી આખી પેનલ કોંગ્રેસની આવી શકે છે. ધારાસભ્ય તરીકે સારા કામ કર્યા હોવાથી સમગ્ર વિસ્તાર પર પ્રભાવ પાડી શકાય.

પાર્ટી લીલી ઝંડી આપશે તો મનપા ચૂંટણી લડીશ. નોંધનીય છે કે પૂર્વ મેયર ગૌતમ શાહ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. ખાડિયા-જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટના પુત્ર માટે ખાડિયા બેઠક માટે ટિકિટ માંગી છે. પૂર્વ મેયર અમિત શાહે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે. ત્યારે ખાડિયા બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ બતાવી છે.