સુરેન્દ્રનગર-

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન દરમ્યાન કોરોનાના ખૂબ જ ઓછા કેસ હતા.પણ જ્યારથી લોકડાઉન ખુલ્યું છે ત્યારથી બંને જિલ્લામાં કોરોનાના કેસો ધીરેધીરે વધ્યા બાદ હવે તેજ રફતાર પકડી લીધી છે અને હમણાંથી હળવદ-ધ્રાંગધ્રા સહિતના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે હળવદ-ધ્રાંગધ્રા સહિત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન કરવું જરૂરી હોવાથી હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સબરીયા અને તાલુકા પંચાયતના પ્રમુખે બંને જીલ્લા ના કલેકટરને રજુઆત કરીને બંને જિલ્લામાં ફરી ૧૫ દિવસનું લોકડાઉન લાગુ કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી હતી કે, હાલના તબક્કે કોરોનાના કેસો વધવાથી હળવદ-ઘ્રાંગઘ્રા સહિત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ છે. છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે. અને બંને જીલ્લામાં કોરોનાના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે આથી કોરોનાનું આક્રમણ ચિંતાજનક હદે વધી ગયું છે. તેથી કોરોનાની આ ચેન તોડવા માટે અને લોકોને કોરોનાથી બચવા માટે ફરી લોકડાઉન લાગુ કરવું જરૂરી છે તેથી હળવદ-ઘ્રાંગઘ્રા સહિત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાની સલામતી માટે આગામી સમયમાં ૧૫ દિવસનું લોકડાઉન લાગુ કરવાની માંગ કરી છે.