અમદાવાદ : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (મનરેગા)માં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં મૃત્યુ પામેલા લોકોને મનરેગા યોજના હેઠળ કામ અને વેતન અપાતું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે ૨૦૧૬થી ૨૦૧૯ની વચ્ચે મૃત્યુ પામેલા ઓછામાં ઓછા પાંચ શખ્સોના નામ મનરેગા યોજનામાં બોલે છે. જિલ્લાના સત્તાધીશોએ આ મૃતકોના નામ મનરેગા સાઈટ પર દર્શાવ્યા છે અને વેતન પણ અપાઈ રહ્યું છે. જો કે, સ્પષ્ટ છે કે આ વેતનની રકમ ના તો મૃતક કે તેમના પરિવાર સુધી પહોંચે છે. મૃતકોના પરિવારજનોનું તો એમ પણ કહેવું છે કે, ગ્રામીણ રોજગાર યોજના હેઠળ તે વ્યક્તિએ ક્યારેય કામ નથી કર્યું. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલા નાનકડા બાલુન્દ્રા ગામમાં લગભગ એક મહિના પહેલા મનરેગા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ૨૬૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ચાલતા આ ભ્રષ્ટાચારને સ્થાનિક એક્ટિવિસ્ટ કિરણ પરમાર અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉઘાડો પાડ્યો હતો. મેવાણીએ કહ્યું હતું,  

“આ આદિવાસી ગામના ૮૦૦ લોકોના નામે નકલી જોબ કાર્ડ બનાવાયા હતા. ઊંડી તપાસ કરતાં જાણ થઈ કે, ઓછામાં ઓછા પાંચ ગ્રામીણો જેમના નામ ચોપડે નોંધાયેલા છે, મસ્ટરમાં સહી કરે છે અને વેતન મેળવે છે, તેઓ તો મૃત્યુ પામ્યા છે. ગરીબોના નામે રૂપિયા ચોરતા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ. ભેરા વાસિયા, જલમા ગોરાણા, હિમા ગોરાણા, કલા ગોરાણા અને વાળી શ્રીમાળી, આ એ લોકોના નામ છે જેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ ઓન-પેપર તેઓ કામ કરે છે. આ તમામના મોત ૨૦૧૬થી ૨૦૧૯ વચ્ચે થયા છે, તેમ છતાં લગભગ ૯૦૦ રૂપિયા વેતન દર અઠવાડિયે ચૂકવાયું છે