મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલના જામીન મંજૂર પરંતુ નોકરીમાંથી સસ્પેન્ડ
13, નવેમ્બર 2021

અમદાવાદ મહિલા અધિકારીને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલવાના મામલે જામીન પર છૂટેલા મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મયંક પટેલની મંગળવારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાેકે, પોલીસે રિમાન્ડ ના માગતા કોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.

મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જાેતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મયંક પટેલ સામે પગલાં લેવામાં આવશે. તેવામાં આજે તેમને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. મયંક પટેલની ધરપકડ થઈ ત્યારે તેમણે આવક કરતાં વધારે સંપત્તિ ભેગી કરી હોવાના પણ આક્ષેપ થયા હતા. ફરિયાદ અનુસાર, મયંક પટેલ અને તેમણે જે મહિલાને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ છે તે મહિલા અગાઉ સાથે નોકરી કરતાં હતાં. ગાંધીનગરમાં તેમને અવારનવાર મળવાનું પણ થતું હતું. આ દરમિયાન તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થવા લાગી હતી. જાેકે, મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્‌સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહિલાના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યા હતા.મયંક પટેલે પોતાની જામીન અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેને ફરિયાદી મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ખુદ ફરિયાદીએ આ વાતની કબૂલાત ફરિયાદમાં કરી હોવાનો ઉલ્લેખ પણ મયંકની જામીન અરજીમાં કરાયો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે જાે પોતે દોઢ વર્ષથી મહિલાને પરેશાન કરતો હોય તો અત્યારસુધી તેના અંગે ક્યાંય ફરિયાદ કે અરજી કેમ નથી કરવામાં આવ્યા? એટલું જ નહીં, પોતે નિર્દોષ છે અને હનીટ્રેપમાં ફસાવાયો છે તેવો પણ મયંકે જામીન અરજીમાં દાવો કર્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution