વડોદરા, તા. ૨૭

સોના ચાંદીની દાગીના ગીરેવે લઇ વ્યાજથી રૂપિયા આપ્યા બાદ ચેક રિટર્નની ખોટી ફરિયાદ કરી વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરનાર માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઇ છે. જાે કે વારસીયા પોલીસે ગણતરીના કલાકોમાં જ માથાભારે વ્યાજખોરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીઆઇપી રોડ શાસ્ત્રીનગર ખાતે રહેતા અશ્વિનભાઇ ઉર્ફે રાજુભાઇ બચુભાઇ વાળા કોરોના સમય દરમિયાન તેમને નાણાંની જરૂરીયાત ઉભી થવા પામી હતી. જેથી તેમને વી.આઈ.પી રોડ પર સુપર બાકરી પાસે રહેતા બકુલેશ સુમંતલાલ જયસ્વાલ પાસે સોનાના દાગીના ગીરવે મુકી ૪.૯૭ લાખ ૪ ટકાના માસિક વ્યાજે લીધા હતાં. જે સોના ચાંદીના દાગીના છોડાવવા પેટે અશ્વિનભાઇએ ૧.૧૩ લાખ રોકડા તથા વ્યાજના બે લાખ ચૂકવવા છતા આરોપીએ સોના ચાંદીના દાગીના પરત ન આપી ગેરંટી પેટે આપાલે અશ્વિનભાઇના ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. વ્યાજ ચક્રમાં ફસાવી આર્થિક નુકસાન પહોંચાડી માથાભારે માણસો લાવી ઉભા કરી દઇશ તેવી ધમકી આપી નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જયારે બીજી ફરિયાદમાં કૈલાશ પાર્ક પાસે, વી.આઇ.પી રોડ ખાતે રહેતા શાંતાબેન આત્મારામ સોલંકીએ ૨૦૧૯માં દિવાળી પહેલા સોના ચાંદીના દાગીના સહિત એલઇડી ટીવી બકુલેશ જયસ્વાલ પાસે ગીરવે મુકીને ૧૦ ટકા વ્યાજે ૬૧ હજાર રૂપિયાની લોન લીધી હતી. જયારે શાંતાબેને બકુલેશભાઇને મુદ્દલની સામે ૫૦ હજારનું વ્યાજ ચુકવવા છતા દાગીના કે ટીવી પરત ન આપી શાંતાબેને ગેરંટી તરીકે આપેલ ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ખોટી રીતે કેસ કરી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. આ સમગ્ર બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા વારસીયા પોલીસે માથાભારે વ્યાજખોર બકુલેશ જયસ્વાલને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરે પડાવી લીધેલ ટી.વી, ચાંદીના દાગીના પોલીસે કબજે કર્યા

ભોગ બનનાર શાંતબેન સોલંકીની પડાવી લીધેલ એલઇડી ટીવી, ચાર ચાંદીના છડા તથા એક ચાંદીની માળા પોલીસે માથાભારે વ્યાજખોર બકુલેશ જયસ્વાલ પાસેથી કબજે કરી હતી. વધુમાં પોલીસે બકુલેશ જયસ્વાલ પાસેથી મળી આવેલ ખાનગી કંપનીમાં મુકેલ સોનાના દાગીનાની રીસીપ્ટને આધારે તપાસ કરતા વારસીયા રીંગ રોડ પર આવેલ બે અલગ અલગ ખાનગી કંપનીમાં કુલ નવ થી વધુ તોલા સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાની ખરાઇ વારસીયા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

હજુ પણ કેટલાક વ્યાજખોર ૧૦ ટકા ડેઇલી બેઝ ઉપર નાણાં ધીરાણનો વેપાર કરે છે

શહેરમાં હજુ પણ કેટલાક વ્યાજખોરો દ્વારા ૧૦ ટકા વ્યાજે ડેઇલી બેઇઝ ઉપર નાણાં ધીરાણ કરવાનો વેપાર કરી રહ્યા છે. જેમાં કેટલાક નાના ધંધાદારી, રીક્ષા ચાલક, મંગળબજારના પથારાવાળા હોય કે લારી ધારકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. તે લોકોને એવી રીતે વ્યાજચક્રમાં ફસાવે છે કે જીંદગથી કંટાળીને આત્મહત્યા કરવા મજબુર બનતા હોય છે. આમા તો કેટલાક સરકારી કર્મચારીઓના હજુ પણ એટીએમ કાર્ડ પણ ગીરવે હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યુ છે. પોલીસે પણ તે દિશામાં તપાસ કરીને માથાભારે વ્યાજખોર સામે કડકમાં કડક પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.