ગુજરાતમાં ચોમાસુ ફરી ગતિશીલ બન્યું, ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી
09, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

ગુજરાતમાં તા.૧ જૂનથી આજ સુધીના ચોમાસાના ચાર પૈકી સવા ત્રણ માસમાં માત્ર દ્વારકા અને અમરેલી જિલ્લામાં સામાન્યની નજીક વરસાદ વરસ્યો છે, જ્યારે ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં તો ૬૪ ટકાની ખાધ છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સામાન્ય રીતે ૧૮ ઈંચ વરસાદ વરસી જવો જાેઈએ તેના બદલે ૧૧.૫૦ ઈંચ વરસાદ જ પડયો છે અને ૩૬ ટકાની ખાધ છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સામાન્ય વરસાદ કરતા ૪૪ ટકાની ખાધ છે. આ ખાધ સપ્ટેમ્બર અંત સુધીમાં મહદઅંશે ભરપાઈ થવાની આગાહી અગાઉ કરાઈ છે.

ગુજરાતમાં ચોમાસુ તા.૩૦ સપ્ટેમ્બર સુધીનું ગણાય છે, અપવાદ રૂપ ગત વર્ષે ચોમાસુ લંબાયું હતું અને સૌરાષ્ટ્રમાં ૬ ઓક્ટોબર સુધી તો દક્ષિણ ગુજરાતમાં ૨૫ ઓક્ટોબર સુધી ચાલ્યું હતું. આમ, હવે વરસાદ માટે હાલ સપ્ટેમ્બર, ભાદરવો મહિનો મહત્વનો મનાય છે. આવતીકાલે વડોદરા, ભરુચ, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદની તથા ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, નર્મદા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ,પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. વરસાદની સાથે ૪૦થી ૬૦ કિ.મી. સુધીની તીવ્ર ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે. રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અને હજુ સુધી ગુજરાતના વરસાદમાં એકંદરે ૪૧ ટકાની ખાધ આજ સુધી રહી છે ત્યારે હવામાન ખાતાએ આવતીકાલથી તા.૧૧ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વ્યાપક વરસાદની અને કેટલાક સ્થળે મુશળધાર ભારે વરસાદની આગાહી આજે કરી છે. ખાસ કરીને તા.૮,૯ના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વધુ છે. ગણેશ ચતુર્થીના દિવસે તા.૧૦ના પણ ભારે વરસાદની શક્યતા જણાવાઈ છે. બંગાળની ખાડીમાં અગાઉ સર્જાયેલ લો પ્રેસર વધુ શક્તિશાળી વેલમાર્ક્‌ડ બનીને હાલ દક્ષિણ છત્તીસગઢ અને ઓડીસા પર છે ત્યારે તા.૧૧ના બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સર્જાવાના પરિબળો આજે સર્જાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution