વડોદરા : થર્ટી ફર્સ્ટ - ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે શહેરીજનો થનગની રહ્યા છે ત્યારે પોલીસે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાકાબંધી અને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. એક તરફ રાત્રિ કરફયૂ અને પોલીસની ધોંસ વધતાં દારૂ પીવાના શોખીનોએ જિલ્લાના અંતરિયાળ ગામોના ફાર્મહાઉસ અને પંચમહાલ, પાવાગઢ, શિવરાજપુર તરફ જવા નીકળ્યા હોવાનું જાણવા મળે છે.  

શહેર પોલીસનો ૯૦ ટકા સ્ટાફ એટલે કે રપ૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બપોર બાદ જાહેર માર્ગો ઉપર ઉતરી પડયા હતા. જેમાં રર પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીની ટીમોનો સમાવેશ થાય છે. આ સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવતાં કેટલાક સ્થળોએ ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. આ ઉપરાંત પોલીસે વિવિધ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ ગઈકાલે જ પત્રકાર પરિષદ કરી કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, રાત્રે ૯ વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલ ૧૮૮ મુજબનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. રાત્રિના ૯ વાગ્યા પછી જ્યારે રાત્રિ કરફયૂ લાગુ પડે છે એ સમય પછી જે પણ વાહન ખોટી રીતે શહેર વિસ્તારમાં ફરતું જાેવા મળશે તો તેની વિરુધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. આ ડ્રાઈવ સઘન બનાવવામાં આવશે. સવારથી તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને પ્રોહિબિશનના કેસો કરવામાં આવશે. રાત્રે ૯ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ વાહન ચલાવતાં કે પીધેલી હાલતમાં મળી આવશે તો તે વ્યક્તિની વિરુદ્ધ ડબલ ગુનો દાખલ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો અને તેની સાથે સાથે રાત્રે ૯ વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલનો ૧૮૮ મુજબનો ગુનો પણ દાખલ કરાશે.

શહેર સમગ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે તેથી સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આવતીકાલથી ર૪ કલાક માટે એક અધિકારી નીમવામાં આવશે. પીઆઈ, પીએસઆઈ દરજ્જાના અને સીસીટીવી કેમેરાની નજરથી તમામે તમામ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે, સાથે સાથે એવો કોઈ બનાવ કે હલચલ જાેવા મળશે, શંકાસ્પદ જણાઈ આવશે તો સીસીટીવી કેમેરાથી ફરતા તમામ લોકો પર બાજનજર રાખવામાં આવશે. આ ઉપરાંત અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની અને પીસીબીની જુદી જુદી ટીમો શહેરમાં બનાવવામાં આવી છે. શહેરની આસપાસ જે પણ શહેરી વિસ્તારામાં ફાર્મહાઉસ છે તે તમામ સ્થળો પર કોઈપણ પ્રકારનું નવા વર્ષને અનુલક્ષીને પાર્ટીનું આયોજન થયું છે અથવા તો કરવામાં આવનાર છે તેના પર વોચ રખાશે અને પ્રોહિબિશન અને અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ મળી આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરી ગુનો દાખલ કરાશે.

---------------

‘’