અમદાવાદ-

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં ટી.ઇ.ટી પાસ કરીને બેઠેલા ૪૭ હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જાેઈને બેકાર બેસી રહ્યાં છે. રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. આવા આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. મોઢવાડિયાએ પત્રમા જણાવ્યું છે કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ ટી.ઇ.ટીની પરીક્ષા પાસ કરીને બેઠેલા ૪૭ હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં છે. જેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે. છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આ બાબત ઘણી દુઃખદ છે. મોઢવાડિયાએ શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ કરી છે. તે ઉપરાંત પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવા કરવાની રજુઆત પણ કરી છે.

મોઢવાડિયાએ પત્રમાં શિક્ષણમંત્રીને એવું પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮-૧૯માં ૬ હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે માત્ર ૩૨૬૨ વિદ્યાસહાયકોની ભરતી કરીને બાકીની ભરતી પાછળથી કરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી બાકી રહેલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. ચાલુ વર્ષે ૩૯૦૦ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. તે પૈકી ગુજરાતી સિવાયના માધ્યમના ૬૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતી માધ્યમના ૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી.