તાલાલા, તાલાલા ગીર પંથકનું અમૃત ફળ ખુશ્બુદાર કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગીર પંથકની કેસર કેરી સ્થાનીક બજાર ઉપરાંત હવે દેશના સીમાડા ઓળંગી યુ.કે. (ઇંગ્લેન્ડ)ની બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે. જાે કે ચાલુ વર્ષે ગીર પંથકમાં કેસર કેરીનો પાક ૩૦ ટકા જેવો હોવાથી ઓછા પ્રમાણમાં નિકાસ થશે પરંતુ આગામી વર્ષોમાં કેસર કેરી વિદેશીઓના મોઢે વળગી જવાથી તાલાલા ગીર પંથક કેરી માટે વિદેશો માટે પણ હબ બનશે તેવી ધારણા સેવાઇ રહી છે. તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે યાર્ડના અધતન મેંગો પેક હાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલીંગ, રાયપનીંગ કરી ત્રણ કિલોના આકર્ષક બોકસમાં તૈયાર કરવામાં આવી રહેલ કેસર કેરીના ૧૧૦૦ જેટલા બોકસ તાલાલા ગીરથી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચેલ હતા. ત્યાંથી એરલાઇન્સ મારફત યુ.કે. (ઇંગ્લેન્ડ) મોકલવા રવાના કરવામાં આવેલ છે. આ બોકસ બે દિવસ બાદ (શુક્રવારે) યુ.કે. પહોચ્યા બાદ ત્યાંની બજારોમાં જાેવા મળશે. આ દરમ્યાન કેસર કેરી તેના ઓરીજનલ સ્વાદમાં ખાવાલાયક પણ તૈયાર થઈ જશે. એક ડઝન (૧૨ નંગ) ની ભરતી વાળુ ત્રણ કિલોનું એક બોકસ ૧૮ પાઉન્ડમાં(રૂ.૧૭૬૪ ભારતીય ચલણ)માં યુ.કે.ની બજારમાં વેંચાણ થશે. તાલાલા મેંગો પેક હાઉસમાંથી આ વર્ષે ત્રણ વખત માં ૧૩૫૦ બોકસ એટલે કે ૪ ટન કેસર કેરી અત્યાર સુધીમાં રવાના થઇ છે. આજે ચોથી વખત એકી સાથે કેસર કેરીના ૧૧૦૦ જેટલા બોકસ રવાના થયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી ગત વર્ષે યુ.કે. ઉપરાંત સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં ૧૪૨ ટન કેસર કેરી મોકલવામાં આવી હતી. જેની સામે આ વર્ષે કેસર કેરીની સીઝન મોડી હોવાથી તેમજ કેરીનો પાક પણ આંબા ઉપર માત્ર ૩૦ ટકા આવ્યો હોવાના કારણે આ વર્ષે મેંગો પેક હાઉસમાંથી ૧૨૦ ટન કેસર કેરીની નિકાસ થવાની ધારણા છે.