ગુજરાતમાં 13 હજારથી વધુ પોલીસ કર્મીઓની કરાશે ભરતી
23, ડિસેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે એવું ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં ૨૪ કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જાેગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટિગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, એફઆઇઆર ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા એફએસએલની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે એવું જાડેજાએ ઉમેર્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution