ભરૂચ,  વાલિયા પોલીસે વિવિધ ટ્રેકટરો માટે ખેડૂતોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીને જબુગામ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખેડૂતોને લોન આપવાના બહાને ૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર શખ્સને વાલિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે વાલિયા પોલીસ મથકના છેતરપિંડીનો આરોપી તાલુકાનાં વંદરીયા ગામમાં રહેતો મગન કોલિયાભાઈ વસાવા ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેઓને ખેતીના કામ અર્થે ટ્રેક્ટર ખરીદવાની લોન અપાવશે તેમ કહી ખેડૂતો પાસે જમીનના ઉપયોગી દસ્તાવેજાે મેળવતો હતો જે બાદ બેન્કના કર્મચારીઓ સાથે મેળાપીપણાં લોન લઈ ખેડૂતોને ટ્રેક્ટર નહિ આપવાના બે ગુનામાં કુલ ૬૧.૨૫ લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના વંદરીયા ગામે તેના ઘરે જવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે જબુગામ બસ સ્ટેન્ડ નજીક વોચમાં હતો તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મગન વસાવા અંતરિયાળ ગામોના ઓછું ભણેલા લોકોને ખેતી માટે ટ્રેક્ટર અપાવવાની લોભામણી અવનવી સ્કીમો બતાવી છેતરતો હતો જેને ઝડપી પાડી પોલીસે મોટી સફળતા મેળવી હતી.