ગોંડલ, શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના ૨૫થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડાએ પોતાના ૨૫થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યાં હોતા. દરમિયાન મંગળવાર સવારે ૨૫થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જાઈ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી. જંગલી શ્વાનના બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે. બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.