ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા ‘સવાયો ગુજરાતી’ કેમ્પેઈન અંતર્ગત એક વર્ષમાં વિવિધ પાંચ એજન્સીઓને રૂ. ૧.૨૨ કરોડથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી હોવાનો રાજ્ય સરકારના પ્રવાસન મંત્રીએ લેખિતમાં એકરાર કર્યો છે. આ કેમ્પેઈન અંતર્ગત કોઈ ટીવી, રેડિયો કે અખબારોમાં કરવામાં આવી ન હતી. માત્ર હોર્ડિંગ્સમાં જાહેરાત આપવા માટે ત્રણ એજન્સીને રૂ. ૮૮,૬૯,૯૯૮/ની રકમ ચુકવવામાં આવી હતી. બાકીની બે એજન્સીને રૂ.૨૫,૬૨,૫૦૦/ની રકમ શેમાં જાહેરાત આપવા માટે ચૂકવાઈ છે? તેનો કોઈ ઉલ્લેખ નથી કરાયો? તે બાબત ધ્યાન આકર્ષણરૂપ બની છે.

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પ્રશ્નોતરી દરમિયાન સવાલ ઉઠાવાયો હતો. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે, તા.૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ‘સવાયો ગુજરાતી’ કેમ્પેઈન અંતર્ગત કેટલી રકમ કઈ એજન્સીને ચુકવવામાં આવી હતી. ઉક્ત ચુકવવામાં આવેલી રકમ પૈકી કેટલી રકમ કઈ એજન્સીને ટીવી, રેડિયો, અખબારો અને હોર્ડિંગ્સમાં જાહેરાત આપવા અન્વયે ચુકવવામાં આવી હતી? ઉક્ત રકમ બજેટના ક્યાં હેડ હેઠળ ઉધારવામાં આવી હતી? ધારાસભ્ય પુંજાભાઈ વંશના પ્રત્યુત્તરમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-૨૦૨૦માં થ્રી ડોટ ડિઝાઈન એજન્સીને રૂ. ૧૩,૨૭.૫૦૦/, માર્ચ-૨૦૨૦માં ચિત્રા પબ્લિસિટીને રૂ. ૨૨,૨૬,૧૭૮/ અને ક્રિષ્ના કોમ્યુનિકેશનને રૂ. ૧૬,૫૨,૭૩૯/, જૂન-૨૦૨૦માં ચિત્રા પબ્લિસિટીને રૂ. ૩૭,૫૮,૦૬૪/ અને કૌશિક પબ્લિસિટીને રૂ. ૧૨,૩૩,૦૧૭/, સપ્ટેમ્બર-૨૦૨૦માં થ્રી ડોટ ડિઝાઈન એજન્સીને રૂ. ૫૯,૦૦૦/ અને સૌરાષ્ટ્ર ફિલ્મને રૂ. ૧૧,૮૦,૦૦૦/ મળીને એક વર્ષમાં વિવિધ એજન્સીઓને કુલ રૂ.૧,૨૨,૫૯,૫૪૮/ની રકમ ચુકવવામાં આવી હતી. પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટીવી, રેડિયો અને અખબારો માટે કોઈ જાહેરાત અપાઈ નથી નથી માત્ર હોર્ડિંગ્સમાં જાહેરાત આપવામાં આવી હતી. જે અંગે ચિત્રા પબ્લિસિટીને રૂ. ૫૯,૮૪,૨૪૨/ની રકમ, ક્રિષ્ના કોમ્યુનિકેશનને રૂ. ૧૬,૫૨,૭૩૯/ની રકમ અને કૌશિક પબ્લિસિટીને રૂ. ૧૨,૩૩,૦૧૭ ની રકમ મળીને કુલ રૂ.૮૮,૬૯,૯૯૮ની રકમ ચુકવવામાં આવી હતી.