અરવલ્લી,તા.૧ 

ગુજરાતની ડેરીઓમાં ૭૦હજાર મેટ્રિક ટન દૂધના પાવડરનો સ્ટોક થઈ ગયો હોય પાવડરની નિકાસ નહીં થતા સાબરડેરીના સત્તાવાળાઓને ન છૂટકે  દૂધમાં ભાવ ઘટાડો  કરવાનો  નિર્ણય કરવાની ફરજ પડી છે.અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકોને મોટો ફટકો પડશે. સરકાર દ્વારા એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ દિવસેને દિવસે ભાવ વધારો અને કમર ભાગી નાખે તેવી મોંઘવારી અને કોરોનાની મહામારીના માહોલમાં રોજગારી ગુમાવી બેઠેલા કેટલાય પરિવારો બેરોજગાર બની વતન ભણી આવતા એક આશા હતી કે દૂધનો ધંધો કરીશું પણ વિદેશમાંથી દૂધનો પાવડર આયાત કરવામાં આવતા દેશના ખેડૂતો અને પશુપાલકો માટે આર્થિક બોજ પડવાનો વારો આવ્યો છે.

સાબરડેરી દ્વારા  આવતીકાલથી ભેંસ દૂધના કિલો ફેટે રૂપિયા વીસનો ઘટાડો અને ગાયના દૂધમાં રૂપિયા નવનો ઘટાડો કરવાનો નિર્ણય થતા  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ પશુપાલકો અને ખેડૂતોને મોંઘવારીના માર વચ્ચે મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. આવનારા દિવસો ખેડૂતોને માટે ખુબજ ખરાબ હોવાનું જણાઇ આવે છે અન્ય દેશોમાંથી દૂધ તેમજ દૂધ નો પાવડર અને દૂધ ની બનાવટો ભારતીય બજારોમાં આવશે તો ખેડૂતો અને પશુપાલકોની હાલત દયનીય બની જશે. હાલમાં ભેંસના દૂધમાં કિલોફેટે રૂપિયા ૭૩૦ અને ગાયના દૂધમાં કિલો ફેટે ૩૧૩ ચૂકવવામાં આવતો હતો છતાં પશુપાલકોને પોસાતું ન હતું. અસહ્ય મોંઘવારીમાં ખેતી અને તેની ઉપજ તેમજ ઘાસચારો તેમજ પશુઆહારો અને મજૂરી ખુબજ ખર્ચાળ હોવાથી દૂધ અને ખેતી તેમજ અન્ય વ્યવસાયના કારણે કુટુંબનું ભરણપોષણ કરી માત્ર જીવન ગુજારી રહેલો હતો ત્યાં હજુ વરસાદ કેવો થાય સીઝન કેવી હશે તેમજ આ વર્ષમાં અનેક આપત્તિ જનક હોવાથી ખેડૂત કાયમી બિચારો થઈ રહે તો પણ નવાઇ નહિ હોય.