ભરૂચ,ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અમરાવતી નદી પર બનાવવામાં આવેલો ૩૭ વર્ષ કરતાં વધારે જુનો પુલ હવે સમારકામ માંગી રહયો છે. પુલના સળિયા પણ દેખાવા માંડયાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ જીવના જાેખમે પુલ પરથી પસાર થઇ રહયાં છે. નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માર્ગ-મકાન વિભાગે ૩૭ વર્ષ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુલનું નિર્માણ થયા બાદ તેનું નિયમિત સમારકામ કરવામાં નહિ આવતાં પુલ જર્જરિત બની ગયો છે. પુલના નીચેના ભાગથી સિમેન્ટ અને કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે તુટી પડવાની દહેશત વર્તાઇ રહી છે. વાહનચાલકો અને ગ્રામજનો જીવના જાેખમે પુલ ઉપરથી પસાર થવાની મજબુર બન્યા છે. પુલ જાેખમી હોવા છતાં આજદિન સુધી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર ફરકયાં ન હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહયાં છે. ચોમાસામાં અમરાવતી નદીમાં નવા નીર આવશે ત્યારે પુલનું વધુ ધોવાણ થાય તેવી સંભાવના છે.