ભોપાલ-

મધ્યપ્રદેશના ધર (ધાર) જિલ્લામાં 23 વર્ષીય મહિલા કોન્સ્ટેબલને લગ્નનો ઇનકાર કરવા બદલ એક શખ્સે ગોળી મારી દીધી હતી. બાદમાં આ વ્યક્તિએ પણ પોતાને ગોળી મારી હતી. બંનેને ગંભીર રીતે ઘાયલ હાલતમાં બરવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે મહિલા પોલીસ કર્મચારીને ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં ખસેડાયી હતી.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 11:00 વાગ્યાની આસપાસ, ધાર જિલ્લાના ગણપુર ચોકડી પાસે, રાજગઢ જિલ્લાના પચોર પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલને ગળામાં ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા કોન્સ્ટેબલ 2 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા, જેના માટે તે મંદિરમાં લગ્નની કંકોત્રી રાખ્યા બાદ માતાપિતા સાથે કારથી ઘરે પરત આવી રહી હતી. તે દરમિયાન 26 વર્ષીય આરોપી કરણ ઠાકુર કારને આગળ નીકળી ગયો અને મોટર સાયકલ તેની સામે ઉભી રાખી અને ત્યારબાદ તેને ગોળી મારી દીધી.

આ કેસમાં ઈંદોર રેન્જના આઈજી રેન્જ યોગેશ દેશમુખે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મી પલ્લવી સોલંકી રાજગઢમાં તૈનાત છે. તેના ગળામાં ગોળી વાગી છે, આરોપી પણ તેના ગામનો જ છે, બાદમાં આરોપીએ તેની છાતી પર ગોળી મારી હતી.પોલીસના કહેવા મુજબ, 26 વર્ષીય આરોપી પરિણીત છે, તેના બે બાળકો છે, તે પલ્લવીના લગ્નના નિર્ણયથી ગુસ્સે હતો. આરોપી સામે આઈપીસી અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.