14, જુલાઈ 2025
વડોદરા |
1980 |
ઓરિએન્ટેશન કાર્યક્રમ થકી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આજે સવારે 9:30 વાગ્યાથી કોન્સર્ટ હોલ ખાતે નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે "પ્રજ્ઞાન ઓરિએન્ટેશન કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ફેકલ્ટી, તેની વિવિધ શાખાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપીને તેમની અભ્યાસ યાત્રાની શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો.
કાર્યક્રમનો પ્રારંભ ભારતીય શાસ્ત્રીય સંગીત - વોકલ વિભાગના વડા ડૉ. રાજેશ કેળકર દ્વારા ફેકલ્ટીનો ઇતિહાસ અને ગાયન વિભાગનો પરિચય આપીને કરવામાં આવ્યો. ત્યારબાદ, અનુક્રમે ડૉ. ત્રિલોક સિંઘ મહેરાએ નાટ્ય વિભાગ, ડૉ. વિશ્વાસ સંતે વાદ્ય વિભાગ (સિતાર-વાયોલિન), ડૉ. દિવ્યા પટેલે નૃત્ય વિભાગ (ભરતનાટ્યમ તથા કથ્થક), તથા ડૉ. કેદાર મુકાદમે તબલા વિભાગની જાણકારી અને પરિચય આપ્યો.
આ ઉપરાંત, SSIP 2.0 (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી) અંતર્ગત સ્ટાર્ટઅપ અવેરનેસની માહિતી ડૉ. પ્રશાંત મુરુમકરે અને ડૉ. કેદાર મુકાદમે (ફેકલ્ટી કોઓર્ડિનેટર) આપી હતી. ડૉ. ધવલ નામજોશીએ શારીરિક શિક્ષણ વિભાગ, ડૉ. શ્વેતા પ્રજાપતિએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ડૉ. સોનલ મિશ્રાએ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ડૉ. વિજય પરમાર અને હિરલ પરમારે અનુક્રમે NCC અને NSS, મોના પરમારે લાઇબ્રેરી અને કિરણ કંસારાએ ફેકલ્ટી ઑફિસ વિશે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓથી વાકેફ કર્યા.
સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર જનક જાસકિયાએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે વિદ્યાર્થી કોઓર્ડિનેટર ડૉ. જયદીપ લકુમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા સંસ્થાગત સંલગ્નતાનું માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમના અંતે, ફેકલ્ટીના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરતાં જણાવ્યું કે: "આ સંસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેમાં ચાલી રહેલા શિષ્ટાચાર અને સર્જનાત્મકતાનો સંગમ વિદ્યાર્થીઓ માટે માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનમુલ્ય શીખવાનું માધ્યમ બની રહે છે."
આજના ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો અને તેમણે આવનારી શૈક્ષણિક સફર માટે પ્રેરણા મેળવી. કાર્યક્રમનો ઉદ્ઘાટનથી અંત સુધી ઉત્સાહભેર અને સન્માનપૂર્વક સમાપન થયો હતો, જે નવા શૈક્ષણિક સત્રના શુભારંભનો સંકેત આપે છે.