14, જુલાઈ 2025
વડોદરા |
1980 |
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA (બેચલર ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ) કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માટે માગણી ઉઠી છે. ફેકલ્ટીમાં BCAના હાયર પેમેન્ટ સીટ પર આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેમના ક્લાસરૂમમાં એર કન્ડિશનર (AC) ની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે શહેરની નજીકની ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને AC ક્લાસરૂમ પૂરા પાડવામાં આવે છે.
આ બાબતે શહેર એન.એસ.યુ.આઈ. (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા વિદ્યાર્થીઓને એર કન્ડિશન રૂમની સગવડ આપવાની માગ સાથે સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એનએસયુઆઈ દ્વારા ડીનને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા BCAના હાયર પેમેન્ટ કોર્સમાં 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે, તેમના ક્લાસરૂમમાં માત્ર પંખાની જ સુવિધા છે. બીજી તરફ, શહેર નજીકની અન્ય ખાનગી કોલેજોમાં BCAના વિદ્યાર્થીઓને બેસવાના રૂમમાં એર કન્ડિશન લગાવવામાં આવ્યા છે. એમ.એસ. યુનિવર્સિટીના BCAના વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત આપવાના ઇરાદે માત્ર પંખા રાખવામાં આવ્યા છે, પરંતુ તેની જગ્યાએ એર કન્ડિશનની પણ સગવડ આપવાની માગ કરવામાં આવી છે.
આ અંગે શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા, વાસુ પટેલ અને તેજસ રોયના નેજા હેઠળ આશરે 40 જેટલા વિદ્યાર્થીઓના સમૂહે આવેદનપત્ર આપીને આ માગણી કરી હતી.