વડોદરા,તા. ૨૯ 

મ.સ.યુનિ. દ્વારા ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં યોજાનારી ઓનલાઇન એક્ઝામ અંગે ગઈકાલે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જેના બીજા દિવસે જ વિદ્યાર્થી વિકાસ સંગઠન દ્વારા માર્ગદર્શિકામાં વિવિધ ફેરફાર કરવા તેમજ ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્‌સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન એક્ઝામ રદ્દ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

યુનિ. દ્વારા બે તબક્કામાં લેવામાં આવનાર ઓનલાઇન એક્ઝામ અંગે ગઈકાલે જ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેમાં ૧ એમબીપીએસ સ્પીડ જરૂરી હોવાનું સૂચવ્યું હતું. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સ્પીડને લઈને ઘણી અગવડ હોવાથી તેમજ એક વખત જવાબ પસંદ કર્યા બાદ તેને બદલી શકાય તેવી છૂટ આપવા અંગે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા સિન્ડિકેટ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે, દેશભરમાં રોજના સરેરાશ ૫૦ હજાર કોરોના કેસ આવતા હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓના ઘરમાં પણ સંક્રમિત વ્યક્તિઓ હોય, મૃત્યુ પામ્યા હોય એવા સંજોગોમાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ખુબ જ વિકટ હોય છે. આવા સમયે પરીક્ષાઓ યોજવી એ યોગ્ય ન હોવાથી રજૂઆત કરવામાં આવી હતી.