વડોદરા : કોર્પોરેશનના વહીવટ પર પકડ જમાવવા માટેનો ડો. વિજય શાહ અને સુનિલ સોલંકીને ખેલ વધુ એક વખત ભાજપ પાર્ટી સંકલન સમિતિની બેઠકમાં ખુલ્લો પડ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત સ્થાયી સમિતિના સભ્યોને ડો. વિજય શાહ અને સુનિલ સોલંકીએ આદેશ આપ્યો હતો કે તેઓ કમિશનર સ્વરૃપ પી.નો વિરોધ કરે. શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીના આ ર્નિણયમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે પણ સુર પુરાવી કમિશનર કામ નહીં કરતા હોવાનું કહ્યું હતું. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત ચોંકાવનારી વિગતો અનુસાર સ્થાયી સમિતિની બેઠક પૂર્વે મળતી શહેર ભાજપની સંકલન સમિતિની બેઠકમાં આ વખતે શહેર પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીએ મ્યુનિશિપલ કમિશનર સ્વરૃપ પી.નો વિરોધ કરવા માટે સ્થાયી સમિતિના સભ્યોને આદેશ આપ્યો હતો. તેઓએ આ બેઠકમાં જણાવ્યું હતુંકે કમિશનર કોઈ કામ કરતા નથી તો પછી બધા સભ્યોએ તેમનો ખુલીને વિરોધ કરવો જાેઈએ.શહેર ભાજપ પ્રમુખના આ આદેશમાં શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પણ સુર પુરાવી મ્યુ કમિશનર સામે અવાજ ઉઠાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સૌથી આશ્ચર્યજનક સુર સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલનો હતો. તેઓ કોર્પોરેશનના વહીવટમાં સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ છે અને તેઓની કોર્પોરશનના વહીવટ પર પકડનો આધાર મ્યુ. કમિશનર સાથેનું સંકલન છે. ત્યારે એક જવાબદાર પદ પર બેઠેલા હોદ્દેદાર દ્વારા પોતાના જ વહીવટી વડાની કામગીરી સામે સવાલ ઉઠાવવાની વાતને લઈને ભાજપમાં ચકચાર મચી ગઈ છે.

કમિશનરનો વિરોધ એટલે સીધો મુખ્યમંત્રીને પડકાર?

મ્યુનિશિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિંમણૂક સીધી રાજ્યના મુખ્યમંત્રી હસ્તકના શહેરી વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જાે કોઈ કમિશનર શહેરના હિતમાં કે ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારોને વિશ્વાસમાં લઈને વહીવટ ન કરતા હોય તેવા કિસ્સામાં તેઓએ રાજ્યના મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનું હોય છે. જે બાદ મુખ્યમંત્રી ધારાસભ્યો, સાંસદ, પાલિકાના હોદ્દેદારો અને શહેર સંગઠનને સાથી રાખી આ અંગે જરૃરી ચર્ચા બાદ ર્નિણય કરતા હોય છે. પરંતું આ કિસ્સામાં પ્રદેશ નેતાગીરી કે મુખ્યમંત્રીને કોઈ રજુઆત કરતા પહેલાં જ શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની જાેડીએ મ્યુ કમિશનર સ્વરૃપ પી.નો વિરોધ કરવાનો સ્થાયી સમિતિ અધ્યક્ષને આદેશ આપતા અનેક તર્કો વહેતા થયા છે. ભાજપના એક જુથના જણાવ્યા અનુસાર આ વિરોધ કમિશનર સામે નહીં પરતું આ વિરોધ થકી પ્રમુખ અને મહામંત્રીએ સીધા જ મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો હોવાનું કહેવાય છે.