વડોદરા, તા.૯

કેન્દ્ર સરકારના ભૂતળ પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને સમગ્ર દેશમાં આવેલા તમામ પ્રકારના માર્ગનો ડેટા તૈયાર કરીને તેનું સંચાલન કરવા જણાવાયું છે. આ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. નવીદિલ્હી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી ભવન ખાતે આ માટે એક સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારની એસેટ મેનેજમેન્ટ સિસ્ટમનો લાભ ગુજરાતને મોટા પ્રમાણમાં મળશે. ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે સહિતના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાં મુંબઇ – વડોદરા - નવીદિલ્હીના ૮ લેનના એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ મહત્વના પ્રોજેક્ટને રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમમાં આવરી લેવામાં આવશે. રૃ.૧ લાખ કરોડનો આ પ્રોજેક્ટ માર્ચ ૨૦૨૨માં પુરો કરવાનો લક્ષ્યાંક છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી આગામી વર્ષોમાં સમગ્ર દેશના હાઇવે, એક્સપ્રેસ વે સહિતના માર્ગોનો ડેટા બેઝ તૈયાર કરશે. આ ડેટા બેઝના પગલે કયા રોડ ઉપર કેટલો ટ્રાફિક, તેની જાળવણી, એક્સિડન્ટ ઓછા કેવી રીતે કરવા સહિતના મુદ્દે ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ માર્ગોની આયુષ્ય, વૈજ્ઞાનિક અને પધ્ધતિસર જાળવણી કરવામાં આવનાર છે.નેશનલ હાઇવે ઓથોરિટીના આ રોડ એસેટ મેનેજમેન્ટ સેન્ટર ખાતે સમગ્ર દેશના રોડના ડેટા એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત તમામ રાજ્યોને પણ માહિતી આપવામાં આવશે. રાજ્યોમાં આવેલા નેશનલ હાઇવે ડિવિઝનો, સ્ટેટ પીડબ્લ્યુડી, એનએચએઆઇ ,બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વગેરેના પ્રોજેક્ટની તમામ માહિતી હશે. સમગ્ર દેશની માહિતી હોવાના કારણે આ સેન્ટર મહત્વનું બનશે. તમામ પ્રોજેક્ટ ખાતે નેટવર્ક સર્વે વ્હિકલને પણ મંજુરી આપવામાં આવી છે. નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપરાંત કોસ્ટલ વે સહિતના માર્ગોનો પણ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. માર્ચ માસના અંતે દેશમાં ૧૧,૦૦૦ કિમી રોડ તૈયાર કરાશે એનએચએઆઇ દ્વારા આગામી માર્ચ માસના અંત સુધીમાં ૧૧,૦૦૦ કિમી નવા રોડ તૈયાર કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવામાં આવનાર છે. દિલ્હી – વડોદરા – મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરી હાલ પુર ઝડપે ચાલી રહી છે. આ રોડના કોન્ટ્રાક્ટર પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે ગત ૧લી ફેબ્રુઆરીના રોજ ૧૦.૩૨ લેન કિમી માટેનું કોન્ક્રિટ તૈયાર કરીને વર્લ્‌ડ રેકોર્ડ કર્યો હોવાનું એક સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. આ ઉપરાંત સિધ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્‌સ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. એનએચએઆઇના આ કોન્ટ્રાક્ટર દ્વારા ૨૪ કલાકમાં જ ૨.૫૮ કિમીનું કોન્ક્રિટ ફોર લેન રોડ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ૧લીના રોજ સવારે ૮ વાગે કોન્ક્રિટની કામગિરી શરૃ કરવામાં આવી હતી. જે ફોર લેનની દરેક લેનના ૨.૫૮ કિમી હતી તેનું કોન્ક્રિટ કામ પુરૃ કરવામાં આવ્યું હતું. જે અંદાજે ૧૦.૩૨ કિમી થતું હતું. ૧૮.૭૫ મીટરની પહોળાઇ સાથેના ૪૮,૭૧૧ સ્ક્વેર મીટરનું કોન્ક્રિંટ કામ એક્સપ્રેસ વેમાં ૨૪ કલાકમાં પુરૃ કરાયું હતું.

દિલ્હી – વડોદરા – મૂંબઇ ગ્રીન ફિલ્ડ ૮ લેન એક્સપ્રેસ વે પ્રોજેક્ટનું કામ વિશ્વના સૌથી મોટા ઓટોમેટિક અલ્ટ્રા મોડર્ન કોન્ક્રિટ પેવર મશીનથી ચાલી રહ્યું છે.એપ્રિલ ૨૦૨૦થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૮,૧૬૯ કિમીનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેની દૈનિક ૨૮.૧૬ કિમીના રોડ તૈયાર કરવાની ઝડપ છે.ગત નાણાંકીય વર્ષમાં ૭,૫૭૩ કિમી રોડ તૈયાર કરાયો હતો. જેની ઝડપ દૈનિક ૨૬.૧૧ કિમીની હતી.