મુંબઇના સ્‍વીમરે સમુદ્ર માર્ગે સોમનાથને શીશ ઝુકાવ્‍યું
12, માર્ચ 2022

સોમનાથ, સ્‍વીમીંગમાં અનેક રેકોર્ડ સ્‍થાપીત કરનાર મુંબઈના મેરેથોન સ્‍વીમર પ્રભાત રાજુ કોળીએ ગીર સોમનાથના ઘામળેજ બંદરથી દરીયાઇ માર્ગે ૧૬ નોટિકલ માઈલનું અંતર માત્ર ૫ કલાકમાં કાપીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે આ સ્વીમરે સોમનાથ ચોપાટીએ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. સોમનાથ ચોપાટીએ પહોંચતા જ સાંસદ તથા સ્‍થાનીક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ સ્‍વીમરનું સ્‍વાગત કર્યુ હતું.

દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અલગ અલગ રીતે લોકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં કોઈ પગપાળા કરીને આવે તો કોઇ દંડવત કરીને મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરતા હોય છે. પરંતુ મુંબઈના સ્વીમર પ્રભાત રાજુએ સ્વીમીંગ કરીને મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. મહારાષ્ટ્રના મુંબઇના રહેવાસી માછીમાર કોળી સમાજના મેરેથોન ઓપન વોટર સ્‍વીમર પ્રભાત રાજુ સ્‍વીંમીગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ તેનું તથા પિતાનું સમુદ્ર માર્ગે સોમનાથ આવી મહાદેવના દર્શન કરવાનું સપનુ સેવ્યું હતું જે તેણે આજે પુરૂ કરી બતાવ્‍યું છે. ગીર સોમનાથ જિલ્‍લા સુત્રાપાડાના ધામળેજ બંદરેથી પ્રભાત કોળીએ વ્‍હેલીસવારે ૫ વાગ્‍યે દરીયામાં કુદીને દરીયાઇ મોજા સાથે બાથ ભિડીને સ્‍વીમીંગ કરતા કરતા ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. તેની સાથે અન્‍ય એક યુવાન નિહાર પાટીલે ૨૧ કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્‍યો હતો.

સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભિડીયા કોળી સમાજ અને વેરાવળ ખારવા સમાજના જગદીશ ફોફંડી, લખમણ ભેંસલા તથા અગ્રણીઓએ સ્‍વીમર પ્રભાતનું હારતોરા સાથે સન્માન કરી પ્રોત્સાહન આપ્યુ હતું. બાદમાં પ્રભાત રાજુએ મંદિરે જઇ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરી ધન્‍યતા પ્રાપ્‍ત કરી હતી.

આજે તેનું તથા પિતાનું સપનું પુરૂ કરવા પ્રભાતે દરીયાઇ માર્ગ ૧૬ નોટિકલ માઈલ ૫ કલાકમાં કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. અત્‍યાર સુધીમાં સ્‍વીમર પ્રભાત રાજુએ વર્લ્‌ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસીએશન કેલિફોર્નિયા, યુ.એસ.એ. દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૬ મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેમાંથી ૩ વિશ્વ રેકોર્ડ પણ તેણે પોતાના નામે અંકિત કર્યા છે. ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવૈયો છે કે જેણે ઓપન વોટર સ્વીમીંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમીંગ એસોસીએશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક પ્રાપ્‍ત કરેલ છે. એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. તેણે જર્સી આઇલેન્ડ અને ઓનાકાયા એયરલેન્ડથી મેઈનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લીમકા બુક અને ગિનીશ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં પણ પોતાની પ્રતિભા અંકિત કરાવી ચુકયો છે. ત્યારે આ તમામ સિદ્ધિઓ બાદ પ્રભાતના પિતા અને પ્રભાતનું સપનું હતું કે, પ્રભાત સોમનાથ મહાદેવના દર્શન સમુદ્ર માર્ગે આવી કરે તે પણ આજે કરી બતાવ્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution