વડોદરા -

વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા વિપક્ષી કાઉન્સિલરની અવારન્વારની રજૂઆતો છતાં કોઈને કોઈ કારણસર શહેરના કાશી વિશ્વનાથ તળાવની ગંદકી અને અન્ય આસપાસની સફાઈ હાથ ધરવામાં આવતી નહોતી. પરંતુ પાલિકાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરુ થઇ જતા જ શાસકો એક્શનમાં આવી ગયા છે. તેમજ જે કામ લાંબા સમયથી હાથ ધરવામાં આવતું નહોતું. એ કામ રાતોરાત હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રજાના વિરોધને ખાળવાને માટે શાસકો દ્વારા આ કામગીરી હાથ ધરાયાનું આસપાસના વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. આ તળાવમાંથી તરાપાનો ઉપયોગ કરીને સફાઈ કરનારાઓ દ્વારા તળાવના પાણી પર જામેલ લિલ અને અન્ય વનસ્પતિઓના ઝુંડ સાફ કરવામાં આવી રહયા છે. આ કામગીરી એક સપ્તાહ જેટલા સમયમાં પૂર્ણ કરાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ બહાર કાઢવામાં આવેલ લીલ અને વનસ્પતિમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ મારતી હોવાથી એનો યોગ્ય નિકાલ કરવામાં આવે એમ આસપાસના રહીશો ઇચછી રહયા છે. અન્યથા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોવાની દહેશત વ્યક્ત કરાઈ છે.