હાલોલ, પાવાગઢ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ઘાટા ગામે રહેતા મહેશભાઈ સોમાભાઈ રાઠવા નાઓ ગત રોજ તેમના ઘેર હતા ત્યારે અમરાપુરા ગામે રહેતા તેના મિત્ર સંજયભાઈ કંચનભાઈ પરમારે મોબાઈલ પર ફોન કરી મળવાનું જણાવી, તેની સાથે તેના જ ગામમાં રહેતા જયદેવભાઈ વિઠ્ઠલભાઈ પરમારનું મોટરસાયકલ લઈ ને ઘાટા ગામે આવ્યા હતાં. જ્યાંથી મહેશભાઈ તેમની સાથે ગામ બહાર તલાવડી સ્મશાનની સામે આવેલ જંગલ વિસ્તારમાં બેસવા માટે ગયા હતાં. જ્યાં સંજયભાઈ ની સાથે આવેલ તેના મિત્ર જયદેવભાઈ એ મહેશભાઈને વેડ ગામે રહેતા તેમના મિત્ર હિતેન્દ્રભાઈ રાજેશભાઈ બારીયાનું કામ હોવાથી ફોન કરી બાલાવવાનું જણાવ્યું હતું. જેથી મહેશભાઈ એ ફોન કરતા, બપોરના સમયે વેડ ગામે રેહતા હિતેન્દ્રભાઈ તેમના ગામ ના જ મિત્ર દશરથભાઈ અમરસિંહ બારીયાને લઈને ત્યાં આવી પહોંચ્યા હતાં, જ્યાં પાંચેય મિત્રો વાતો કરી રહ્યા હતા, તેવામાં જયદેવભાઈ હિતેન્દ્રભાઈ ને અંગત વાત કરવી હોવાનું જણાવી થોડેક દુર લઈ ગયા હતા, જેથી તેઓને આવતા વાર લાગતા ને મહેશભાઈ તે બંન્નેની વચ્ચે કોઈક છોકરીની બાબતને લઈને મનદુખ હોવાનું જાણતા હોવાથી તેઓ બંન્ને ને બોલાવવા જતાં, જયદેવે તેઓની વાત ચાલતી હોવાનું જણાવી, અચાનક જ પોતાની પાસે રાખેલ ખંજરથી હિતેન્દ્ર પર હુમલો કરી તેને ખભાના ભાગે, છાતી પર ને હાથમાં ખંજર માર્યુ હતું, જેથી મહેશભાઈ છોડાવવા માટે વચ્ચે પડતાં, સંજયભાઈએ તેમને પાછળથી પકડી લેતા, જયદેવે મહેશભાઈને પણ હથેળીમાં ખંજર માર્યુ હતું, જ્યારે દશરથભાઈ પણ વચ્ચે પડતા સંજયે તેમને પકડી રાખ્યા હતા ને જયદેવે તેમની છાતીમાં ખંજર ગોપી દેતાં, તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતાં, જ્યારે બીક ના માર્યા ઈજાગ્રસ્ત મહેશ ને હિતેન્દ્ર તલાવડી બસ સ્ટેન્ડની પાછળ સંતાઈ ગયા હતા, જ્યારે બંન્ને આરોપીઓ ખુની ખેલ ખેલીને ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.