અંબાજી : ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ નવરાત્રીનો બીજો દિવસ અને રવિવાર છે જેને લઈ અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા.કોરોનાનો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.હાલના તબક્કે અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન કોરોનાની મહામારીના કારણે રાજ્યભરમાં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે દર્શનાર્થીઓને પૂરતો દર્શનનો લાભ મળે તે માટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ અંબાજી આવતા યાત્રિકોને જાણે કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ મોં ઉપર માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા. જેમાં મહિલાઓ, નાના બાળકો અને વ્રૃધ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી.યાત્રીકો જણાવી રહ્યા છે કે કોરોના છે જ નહી કોરોના કોરોના કરી છ મહીનાથી હેરાન કરી રાખ્યા છે. આ તો મંદિર ખુલ્લું છે એટલે આવ્યા છે.જો મંદિર બંધ હોત તો કોઈ ન આવત. જોકે આ ભીડ સમાચાર મળતા મંદિરના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ભીડ સ્થળે પહોચ્યા હતા ભીડ ને કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.હાલના તબક્કે આ ભીડ જોતા દર્શનાર્થીઓની આજની ભીડ જોતા મંદિરના દર્શનના સમયમાં વધારો કરવા પણ વહીવટદારે જણાવ્યું હતું. જોકે હજી વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ. જે .ચાવડાએ આપ્યા છે. આગામી દુર્ગાષ્ટમી ના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. રાજસ્થાન તરફ થી આઠમના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે તેવામાં કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તે માટે વહીવટી તંત્ર આગોતરું આયોજન કરે તે પણ જરૂરી બન્યું છે.