નડિયાદ : મૂળ વડોદરા જિલ્લાના સોખડા અને બોરસદથી અમેરિકા ખાતે વર્ષોથી વસતાં પટેલ દંપતીને ૧૫ વર્ષથી શેર માટીની ખોટ હતી. આ ખોટ નડિયાદની માતૃછાયા સંસ્થાએ પૂરી કરતાં દંપતીએ ભારે હર્ષની લાગણી અનુભવી હતી. 

બિન નિવાસી ભારતીય અને મૂળ વડોદરાના સોખડાના હાલ અમેરિકા ખાતે રહેતાં નિલેશભાઈ પટેલ અને તેમનાં પત્ની જીનલબેન ૨૦૦૬માં લગ્નગ્રંથીથી જાેડાયાં હતાં. અમેરિકામાં જ વસવાટ કરતાં હતાં. જાેકેે, લગ્નજીવનનાં ૧૫ વર્ષે પણ સંતાન પ્રાપ્તિ થઇ ન હતી. પરિણામે દંપતીએ બાળકને દત્તક લેવાનો ર્નિણય કર્યો હતો. ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અને માતૃછાયા આશ્રમના પદાધિકારીઓ દ્વારા નિલેશભાઈ અને તેમનાં પત્નીએ ૨ વર્ષીય બાળક ઉપર પસંદગી ઊતારીને બાળકને દત્તક લીધો હતો.

નડિયાદ ખાતે સમિતિના અધ્યક્ષ રાકેશ રાવ અને સંસ્થાના સંદીપભાઈ અને અન્ય સહયોગી દ્વારા દત્તક લેવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સારાં પરિવારમાં બાળકનો ઉછેર થવાનો હોઈ સંસ્થાએ પણ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે બંને પતિ-પત્ની બાળકને લઈને ભારે ભાવવિભોર બન્યાં હતાં. સંસ્થાનો પણ આભાર માન્યો હતો.

હવે માતૃછાયા આશ્રમનો બાળકનો અમેરિકા ખાતે તેનાં કાયદેસરના માતા-પિતા સાથે ઉછેર થશે. જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના સેક્રેટરી અને જિલ્લા બાળ સમિતિના અધ્યક્ષ રાકેશ રાવ દ્વારા દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના બાળકોને ભારતના બિન નિવાસી જ નહિ, પરંતુ વિશ્વના નામાંકિત નાગરિકો અને જાહેર જીવનમાં નામના ધરાવતાં વિદેશી નાગરિકો પણ સંસ્થામાંથી દત્તક મેળવે છે. આજે આ આંકડો ૩૦૦ને પાર થયો છે.