નડિયાદ : ખેડા જિલ્લાની નડિયાદ સેશન્સ કોર્ટે પોકસો અને બળાત્કારના ગુનામાં ગોબલેજના એક યુવકને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી હતી. આરોપીને કુલ રૂપિયા ૩૦ હજારનો દંડ અને પીડિતાને વળતર પેટે રૂપિયા એક લાખ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

ખેડા તાલુકાના ગોબલેજ ગામે રહેતાં અજય જુવાનસિંહ તડવીએ ૩૧મી જુલાઈ, ૨૦૨૦ના રોજ એક ૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અજય તેણીને લઈને કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા ગામે પહોંચી ગયો હતો. જ્યાં અવારનવાર કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ ખેડા પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે બનાવમાં ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) એન અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અજયને ઝડપી લીધો હતો.

નડિયાદની સેશન્સ કોર્ટમાં આ કેસની ચાર્જશીટ દાખલ કરાતાં આ કેસ બોર્ડ ઉપર ચાલી ગયો છે. ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે કેસમાં રજૂ કરાયોલાં ૧૬ જેટલાં દસ્તાવેજી પુરાવા તપાસી સરકારી વકીલ આર.જી. બ્રહ્મભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. આરોપી અજય તડવીને આ ગુનામાં દોષિત ઠેરવી આઈપીસી ૩૬૩, ૩૬૬ના ગુનામાં ૫-૫ વર્ષ કેદની સજા, આઈપીસી ૩૭૬(૨) એન મુજબ ૧૦ વર્ષની કેદ, પોકસો કલમ હેઠળની ૭ વર્ષની સજા અને કુલ રૂપિયા ૩૦ હજારનો દંડ ફટકારાયો હતો. આરોપીએ તમામ સજા એક સાથે ભોગવવાની રહેશએ તથા તેણે પીડિતાને એક લાખ રૂપિયા વળતર ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો હતો.