નડિયાદ: વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને કોર્ટે ફટકારી જન્મટીપની સજા
26, ફેબ્રુઆરી 2021

નડિયાદ-

સમાજને ઊંચો લાવવા એક શિક્ષકનું ખુબજ પ્રદાન રહેલું હોય છે. શિક્ષક શિક્ષણ આપી સમાજને આગળ ધપાવતો હોય છે. પરંતુ જ્યારે એક શિક્ષક જ પોતાના વિદ્યાર્થી ઉપર દાનત બગાડે ત્યારે આવા લપંટ શિક્ષકને કડકમાં કડક સજા કરવી જાેઈએ. સમગ્ર શિક્ષક ઉપર લાંછન રૂપ કિસ્સો વર્ષ ૨૦૨૦માં સામે આવ્યો હતો. નડિયાદમાં પીપલગ રોડ પરની યુરો સ્કૂલના શિક્ષકે પોતાની હવસ સંતોષવા માટે સ્કૂલની એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આજે આ કેસની સુનાવણી દરમ્યાન અધમકૃત્ય આચરનાર શિક્ષકને આજીવન કેદની સજા નડિયાદ પોકસો કોર્ટે આપી છે. સાથે સાથે કુલ રૂપિયા એક લાખ ૧૭ હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઉપરાંત આરોપીએ ભોગબનનારને વળતર પેટે રૂપિયા ૪ લાખ ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.

વસો તાલુકાના કલોલી ગામે ખ્રિસ્તી ફળીયામાં રહેતા મનીષકુમાર પાઉલભાઈ પરમાર સામે વર્ષ ૨૦૨૦માં બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. મનીષ પોતે નડિયાદના પીપલગ રોડ ઉપર આવેલ યુરો સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ઓગસ્ટ ૨૦૧૯ થી જુલાઈ ૨૦૨૦ના સમયગાળામાં તેણે સ્કૂલની એક સગીર વયની વિદ્યાર્થીની ઉપર દાનત બગાડી હતી. મનીષ અવારનવાર આ વિદ્યાર્થીનીનો પીછો કરતો અને સ્કૂલમાં પણ તેણીની સાથે બિભત્સ વર્તન કરતો હતો. આ હવસખોર શિક્ષક આટલેથી નહીં અટકતા તેણે સોશ્યલ મીડિયા મારફતે આ વિદ્યાર્થીની સુધી પહોંચી બિભત્સ મેસેજ કરી સગીરાના નગ્ન ફોટા મંગાવતો અને વિડિયો મોકલી પરેશાન કરતો હતો.

ડીસેમ્બર ૨૦૧૯ના પહેલાં અઠવાડિયામાં મનીષ સ્કૂલમાં હતો ત્યારે તેણે પોતાની હવસ સંતોષવા માટે સ્કૂલના બિલ્ડીંગના બીજા માળે આ સગીરાને ચાવી મળેલ છે તેમ કહી બોલાવી હતી. બાદમાં એકલતાનો લાભ મેળવી તેણીની સાથે જબરજસ્તી કરી હતી. આ ઉપરાંત સ્કૂલના જેન્ટસ વોશરૂમમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ પુરેપુરી ઘટના પ્રકાશમાં આવતા સ્કૂલ પ્રશાસને તુરંત આ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો. તો બીજી તરફ સગીર વિદ્યાર્થીનીના પરિવારજનોએ આ અંગે આ અધમકૃત્ય આચરનાર શિક્ષક મનીષ પરમાર વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતા, આજે આ કેસ ખેડા જિલ્લાની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution