વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની યોજાનારી ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો ભરવાના દિવસે ૧૨ ભાજપ, ૧ કોંગ્રેસ સમર્થિત તેમજ પાંચ અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જાે કે, પાંચ અન્ય ઉમેદવારોને ટેકો આપનાર કોઈ કાઉન્સિલર ન હોઈ આ ફોર્મ રદ થશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારે સામાન્ય બેઠક પર ફોર્મ ભર્યું હોઈ મેટ્રીકયુલેશનની ૩ અને અનુસૂચિત જાતિની ૧ એમ ૪ બેઠકો બિનહરીફ થશે, જ્યારે ૮ બેઠકો પર ચૂંટણી યોજાશે.

વડોદરા પાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્યો હોય છે જે પૈકી ૧૨ સભ્યોની ચૂંટણી થાય છે, જ્યારે ૩ સભ્યો સરકારનિયુક્ત હોય છે. તા.૬ ઓગસ્ટના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. જાે કે, પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા જાેતાં તમામ ૧ર સભ્યો ભાજપાના ચૂંટાશે. તેને લઈને શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે ઈચ્છુક કાર્યકરોએ દોડધામ શરૂ કરી હતી. એક તબક્કે નામોને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન વચ્ચે મતભેદો ઊભા થતાં ૬૦ જણાના નામો પ્રદેશ ભાજપાને મોકલી આપવામાં આવ્યા હતા.આજે ઉમેદવારીપત્ર ભરવાના દિવસે ભાજપાએ તેના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાઈ હતી. બપોરે ૧ર થી ૩ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાના સમય દરમિયાન ભાજપાના ૧ર, કોંગ્રેસના ૧ તેમજ અન્ય ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર અતુલ ગામેચી, ગોહિલ અરવિંદ, રાકો, મેહુલ અને નીલેશ વસઈકર એમ પાંચ અપક્ષ સહિત કુલ ૧૮ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. જાે કે, અન્ય પાંચે ઉમેદવારોના ફોર્મમાં ટેકો આપનાર કાઉન્સિલરનું નામ ન હોવાથી આ ફોર્મ સ્ક્રૂટિનીમાં રદ થાય તેવી શક્યતા છે.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાઈ ઢેકાણેએ સામાન્ય બેઠક પર ફોર્મ ભર્યું હોઈ મેટ્રીકયુલેશન વિભાગની ૩ બેઠકો અને અનુસૂચિત જાતિની ૧ બેઠક એમ ૪ બેઠકો બિનહરીફ જાહેર થશે. આમ, સામાન્ય કેટેગરીની ૮ બેઠકો પર ૯ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી યોજાશે. પરંતુ સભ્યસંખ્યા મુજબ મત જાેતાં કોંગ્રેસનો ઉમેદવાર જીતે તેવી શક્યતા નહિવત્‌ છે. પરંતુ જાે ક્રોસ વોટિંગ થાય તો જીતી શકે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન તમામના નામોને સ્થાન અપાયું

વડોદરા. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૧૨ સભ્યોની નિયુક્ત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન વચ્ચેની ખેંચતાણને પગલે તમામે મુકેલા નામો સાથેની ૬૦ જણાની યાદી પ્રદેશમાં મોકલાઈ હતી. આજે ભાજપાના ૧૨ ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મેયર, સાંસદ, પાંચ ધારાસભ્યોએ મૂકેલા એક-એક નામ, સંગઠનના ૩, સંઘના ર અને રાજેશ આયરેએ મુકેલ એક નામનો સમાવેશ કરાયો હોવાનું ભાજપા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભાજપાના ૧૨ ઉમેદવારોના નામ

• રીટાબેન માંજરાવાલા

• અંજનાબેન ઠક્કર

• શર્મિષ્ઠાબેન સોલંકી

• ડો. હેમાંગ જાેશી

• આદિત્ય પટેલ

• વિજય પટેલ

• કિરણ સાળુંકે

• ભરત ગજ્જર

• નીલેશ કહાર

• રણજિત રાજપૂત

• હિતેશ પટણી

• જિજ્ઞેશ પરીખ

જે સમિતિમાં માતા સફાઈ સેવક તરીકે ફરજ બજાવતાં હતાં તે સમિતિના બોર્ડમાં દીકરીની સભ્ય તરીકે પસંદગી

ભાજપાએ શિક્ષણ સમિતિમાં આજે સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં એમ.એસ.ડબ્લ્યુ, પીએચડી થયેલા અને ૨૦૨૦માં ચાઈલ્ડ પ્રોટેકશન અને એજ્યુકેશન માટે અટલ સ્મૃતિ એવોર્ડથી સન્માનિત શર્મિષ્ઠાબેન સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા શર્મિષ્ઠાબેનના માતા નૂતનબેન શિક્ષણ સમિતિની શાળામાં જ સફાઈ કામદાર તરીકે નોકરી કરીને નિવૃત્ત થયાં છે. હવે એ જ સમિતિના બોર્ડમાં તેમની દીકરીને સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

નારાજ કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા ઃ -તો કોંગ્રેસને બેઠક મળી શકે

વડોદરા. ભાજપા દ્વારા જારી કરવામાં આવેલ ૧૨ ઉમેદવારોની યાદીમાં સંભવિતોના કેટલાક નામોની બાદબાકી થતાં નારાજ કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા વચ્ચે તેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. કોંગ્રેસ પાસે ૭ મત છે. જાે તેના ઉમેદવારને વધુ બે મત મળે તો કોંગ્રેસનો ઉમેદવાર જીતી શકે છે.