આણંદ-

આણંદ જિલ્લામાં અન્ન સલામતી કાયદા હેઠળ સરકારી કર્મચારી હોવા છતાં, પેન્શન મેળવતાં હોવા છતાં અને ૭૦ હજારથી વધુ પગાર ધરાવતાં પરિવારો દ્વારા ગરીબોનું અનાજ ઓહિયા કરી જવાના કિસ્સાઓમાં પૂરવઠા વિભાગે તપાસ આદરી હતી. આણંદ પૂરવઠા વિભાગની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, ૭૦ હજારનો પગાર મેળવતાં ૧૬૨ શિક્ષકોએ એનએસએફએ માં બીપીએલ, અંત્યોદય રેશનકાર્ડ હેઠળ ગરીબોનું રાશન મેળવ્યું હતું. આ અહેવાલોના પગલે આણંદ જિલ્લામાં અનાજ મેળવતાં શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પરિણામે આણંદ ગ્રામ્ય નાયબ પૂરવઠા અધિકારીની કચેરીએ ચાર શિક્ષકોએ આવીને માફીપત્ર લખીને નામ કમી કરવાની બાયધરી આપી હતી. આણંદ પૂરવઠા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ શિક્ષકોએ એવું કારણ આગળ ધર્યું હતું કે, અમને ખબર ન હોવાથી એનએસએફએ યોજના હેઠળ અનાજનો લાભ લેતાં હતાં. હવે પછી અમે આ યોજના હેઠળ લાભ નહીં લઈએ. એનએસએફએ નામ કમી કરાવી દઇશું, તેવું માફીપત્ર લખી આપ્યું હતું. 

આ વિશે આણંદ જિલ્લા પૂરવઠા વિભાગના અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ખોટી રીતે અનાજ લેતાં શિક્ષકો ૧૦ દિવસમાં ખુલાસો કરીને એનએસએફએ માંથી પોતાનું નામ કમી નહીં કરાવે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. ૧૬૨ શિક્ષકોના નામ અને તેમની સ્કૂલ સાથેની યાદી તૈયાર કરી દેવાઈ છે. તેમની વિરુદ્ધ આગામી ટૂંક સમયમાં જ ખાતાકીય તપાસ માટેનો રિપોર્ટ મોકલી આપવામાં આવશે. વધુમાં ગોપાલ બામણિયાએ કહ્યું હતું કે, આણંદ જિલ્લા પૂરવઠા વિભાગ દ્વારા સરકારી કર્મચારી, સરકારી પેન્શનર્સ અને ૧૦ હજારથી વધુ પગાર ધરાવતાં આ ઉપરાંત ઘરે ફોર વ્હીલ સાધન રાખતાં હોય તેવાં લોકોના એનએસએફએ માંથી નામ કમી કરવામાં આવશે. સરકારનો બિનજરૂરી વધી ગયેલો નાણાકીય બોજ ઘટાડવામાં આવશે. સરકારી અના બચશે તેમાંથી ખરેખર જરૂરીયાત ધરાવતાં લોકોને આપવામાં આવશે. ઘણાં એવાં ઓછી આવક ધરાવતા કુંટુંબો, વિધવા બહેનો, અંધ-અપંગ લોકો અને ગરીબોનો એનએસએફએમાં સમાવેશ કરીને અનાજ પૂરું પાડવામાં આવશે.