જુનાગઢ, જુનાગઢ શહેર નરસૈયાની નગરી તરીકે જાણીતું છે, પરંતુ હાલમાં શહેર ખાડાનગરી જેવું ભાસી રહ્યું છે. ચોમાસું શરૂ થઈ ગયું છે,છતાં શહેરના રસ્તાઓ મગરની પીઠ જેવા બિસ્માર હાલતમાં છે. જેને લઈને લોકોમાં નારાજગી વ્યાપી છે. શહેરમાં રસ્તાની સ્થિતિને લઈને કોંગ્રેસ કોર્પોરેટરે મુખ્યમંત્રી અને મનપાના સત્તાધીશોને પત્ર પાઠવી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે. સામે સત્તાપક્ષે રસ્તાના કામો નિયમ મુજબ અને ગેરન્ટી પીરીયડમાં હોવાનું જણાવ્યું છે.જુનાગઢ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ભૂગર્ભ ગટરના કામો થયા અને તે પૂર્ણ થયા બાદ રસ્તાના કામો શરૂ થયા હતા. શહેરમાં મોટાભાગના રસ્તાના બે લેયરના કામો થઈ ગયા છે પરંતુ ઘણાં ખરાં વિસ્તારમાં હજુ એક લેયર પણ થયું નથી. આવા વિસ્તારોમાં રસ્તાની હાલત બિસ્માર છે, એક તરફ ચોમાસું શરૂ થઈ ગયું છે.બીજી તરફ ભૂગર્ભ ગટરના કારણે ખોદાયેલા ઉબડખાબડ રસ્તા છે. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે કમ સે કમ ખાડા વગરના રસ્તાની લોકોની અપેક્ષા હોય છે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે ચોમાસું બેસી ગયું છે અને જાે રસ્તાના કામો શરૂ થાય તો તેનું ધોવાણ થઈ જાય છે. આમ તંત્ર ધારે તો પણ હવે રસ્તાના કામો શરૂ થઈ શકે તેમ નથી. જાે કે હજુ રસ્તાના કામો સંપૂર્ણપણે પૂરાં થયા નથી, ભૂગર્ભ ગટર બની ગયા બાદ ગટરના ઢાંકણા સાથે રસ્તાનું લેવલ થવાનું કામ બાકી છે. બે લેયરની કામગીરી થઈ ગઈ છે.એક લેયર હજુ બાકી છે.શહેરમાં ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર લલીત પરસાણાએ મુખ્યમંત્રી, મેયર અને કમિશ્નરને સંબોધીને પત્ર પાઠવી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ અંગે સત્તાપક્ષ ભાજપે ટેકનિકલ કારણો સામે ધર્યા અને શહેરમાં રસ્તાના કામો નિયમ મુજબ થતા હોવાનું જણાવ્યું અને આ રસ્તાઓ ગેરન્ટી પીરીયડમાં હોવાનું જણાવ્યું અને સાથે જાે ભવિષ્યમાં રસ્તા તૂટે તો પણ ગેરન્ટી પીરીયડને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા જ તે કામ કરી આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.ભૂગર્ભ ગટરના કામો બાદ તેની ભરતી પર એક વરસાદ પડી જાય તો રસ્તો સરખો બેસી જાય અને ભૂવા પડે નહીં તેથી એક ચોમાસાં બાદ રસ્તાની કામગીરી કરવામાં આવે તો રસ્તા મજબુત બને. તે વાત સાચી અને ખરાબ રસ્તાના મુદ્દે કોંગ્રેસ વિરોધ કરે તે વાત પણ સાચી પરંતુ બન્ને બાબતો વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રજાને તો હાલાકી છે. તંત્ર ભલે નિયમ મુજબ કામ કરે પરંતુ કરવેરો ભરતી પ્રજા સારા રસ્તાની અપેક્ષા રાખે એ પણ સ્વાભાવિક છે. ત્યારે હાલ વાહનો ચાલી શકે તેવી કામચલાઉ રસ્તાની વ્યવસ્થા તો તંત્રએ કરી જ આપવી જાેઈએ તેવી લોક લાગણી ઉઠી છે.