જૂઓ આ ગુજરાતી યુવાનના સંશોધનને નાસાએ પ્રમાણિત કર્યું
06, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

સામાન્ય રીતે ગુજરાતી યુવાનો અભ્યાસમાં કે સંશોધનમાં ઓછો રસ લે છે અને તેને બદલે તેઓ બિઝનેસમાં વધારે રસ લે છે, એવી માન્યતા છે, પરંતુ આ ગુજરાતી યુવાને મર્યાદિત અભ્યાસ અને સંશાધનોની કમી હોવા છતાં અવકાશક્ષેત્રે એવું કામ કરી બતાવ્યું છે કે, સામાન્ય માણસ વિચાર કરતો થઈ જાય.

નાનપણથી જ સાધારણ સ્થિતી ધરાવતા અને દરજીકામ કરીને પોતાની માતાને ગુજરાન ચલાવવામાં મદદ કરતા આ યુવાન નિરવને પહેલેથી જ વિજ્ઞાન અને તેના સંશોધનમાં ખૂબ રસ હતો. નિરવની પાસે પોતાનું લેપટોપ ન હોવા છતાં તેને પાડોશીએ મદદ કરતાં નિરવે પોતાના અવકાશક્ષેત્રના સંશોધનને આગળ ધપાવ્યું હતું. તેણે નાસાની લઘુગ્રહોને અને ઉલ્કાપિંડોને શોધવાની તેમજ ઓળખવાની ચેલેંજને ઝીલી હતી અને તેના પર સંશોધન ચાલુ કર્યું હતું. આ માટે નાસા દ્વારા નિયમિત રીતે ચેલેંજ અપાતી હોય છે. 

નિરવે આવી એક ચેલેંજ લઈને તેના પર સંશોધન ચાલુ કર્યું હતું. બે મહિના સુધી સતત સંશોધન અને અભ્યાસ કરીને તેણે નક્કી કરેલા એક પીપીજીયુપીજે નામના લઘુગ્રહ બાબતે ખૂબ જ ઝીણવટભરેલી માહિતી એકત્ર કરી હતી. તસવીરોનું ડિજીટલ ઈમેજીંગ કરીને સોફ્ટવેરની મદદથી તેણે આ લઘુગ્રહ વિશે ઘણી માહિતી એકઠી કરી હતી જેને નાસાએ સ્વીકારી હતી એટલું જ નહીં પણ તે કામગીરી બદલ તેને સર્ટીફિકેટ પણ આપ્યું હતું. આટલું જ નહીં નિરવે આ પ્રકારનું સંશોધન કર્યું એ બદલ તેને ઈસરો દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution