દિલ્હી-

શિક્ષા નીતિ અંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષા નીતિને કાગળની સાથે અમલમાં પણ લાવવામાં આવશે. લાંબા સમયથી આ અંગે મંથન કર્યા બાદ આ નીતિ અમલમાં મુકવામાં આવી છે. જ્યાં સુધારાની જરૂર હતી ત્યાં સુધારો કરવામાં આવ્યો છે. નવી શિક્ષા નીતિમાં કોઈ સાથે ભેદભાવ થશે નહીં. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 21મી સદીના ભારતના ફાઉન્ડેશન તરીકે કામ કરશે.

ડોક્ટર બનાવો, એન્જીનિયર બનાવોની હોડમાંથી યુવાનોને બહાર લાવવા શિક્ષા નીતિમાં કૌશલ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વર્ષોથી શિક્ષણ નીતિમાં ફેરફાર ન થયો તેથી કેટલાક ક્ષેત્રોમાં જ આગળ વધવાની હોડ લાગી હતી. હવે ભારતની શિક્ષા નીતિમાં બદલતા સમય સાથે બદલાવું જરૂરી છે તે વાતને મહત્વ આપવામાં આવ્યું છે. 

માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ ભારતના વિદ્યાર્થીઓને ગ્લોબલ સીટિઝન બને પોતાના મૂળ સાથે જોડાયેલા રહે તે વાતને ધ્યાનમાં રાખી નવી શિક્ષા નીતિ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યને ધ્યાનમાં શિક્ષા નીતિમાં ફેરફાર કરાયા છે. વડાપ્રધાને ધોરણ 5 સુધી માતૃભાષામાં અભ્યાસ ફરજિયાત કરવા અંગે કહ્યું હતું કે બાળક સાથે ઘરમાં બોલવામાં આવતી ભાષા અને તેની શાળામાં અભ્યાસની ભાષા એક હોય તો તે સારી રીતે અભ્યાસ કરી શકે છે તેથી શિક્ષા નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે.