ભુજ કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા દેશદેવી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે અશ્વિન નવરાત્રી મહોત્સવ કોરોનાકાળને જાેતા સરકારની માર્ગદર્શિકા મુજબ યોજાવાની જાહેરાત શનિવારના રોજ વહીવટી તંત્રની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેકટરની વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સરકારી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આગામી નવરાત્રી માટેની વ્યવસ્થા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

માતાના મઢ મંદિર સંકુલ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોરોના મહામાંરીને લઈ સલામતી અને સગવડતા જળવાઈ રહે તે પ્રમાણે નવરાત્રી મહોત્સવ યોજાવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખેંગારજી પ્રવિણજી જાડેજા, મામલતદાર સોલંકી, ડીવાયએસપી યાદવ, તાલુકા વિકાસ અધિકારી જાેશી, તાલુકા હેલ્થ ઓફિસર ભીલ, એસટી વિભાગના નિયામક અધિકારી અને મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં લવાયેલા નિર્ણય મુજબ બજારો માત્ર મંદિર માટે ખોલવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા હરાજી કે નવા સ્ટોલ લગાવવા દેવામાં આવશે નહીં, યાત્રાળુઓને નાહવા માટેની વ્યવસ્થા મંદિર સંકુળથી ૧ કિલોમીટર દૂર રાખવામાં આવશે, માઇ ભક્તો માટે બન્ને વખત ભોજન પ્રસાદની સગવડ રહેશે. ભીડના સર્જાય તે મારે પોલીસ, હોમગાર્ડના જવાનો ફરજ નિભાવશે. જ્યારે કચ્છના પ્રવેશદ્વારથી માતાનામઢ સુધીના ૨૫૦ કિલોમીટર સુધીમાં જિલ્લામાં સેવા કેમ્પો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

 આગામી ૬ ઓક્ટોબર ભાદરવા વદ અમાસના રોજ મોડી સાંજે ૮.૩૦ વાગ્યે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ બીજા દિવસે આસો સુદ એકમથી અશ્વિન નવરાત્રી પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. તા. ૧૨/૧૦ના રાત્રે ૯.૩૫ વાગ્યાથી જગદંબા પૂજન બાદ હોમ હવનની ધાર્મિક વિધિ દરમિયાન મોડી રાત્રે ૧.૩૦ કલાકે જાગીર અધ્યક્ષના હસ્તે શ્રીફળ હોમવામાં આવશે, જેના બીજા દિવસે રાજ પરિવારના સભ્યો દ્વારા માતાજીને જાતર ચડાવવામાં આવશે. માતાના મઢ ખાતે આવેલા પ્રસિદ્ધ કચ્છની કુળદેવી આઈ આશાપુરા માતાજીના મંદિરે અશ્વિન નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. પદયાત્રીઓની આગતા સ્વાગત કચ્છની સાથે પાટણ, સૌરાષ્ટ્ર અને મુંબઈના ભાવિકો દ્વારા માર્ગ પર સ્થાઇ અને ફરતા કેમ્પ મારફતે કરવામાં આવે છે.