'મિકી અને મિની'ની થીમ પર નેહા ધૂપિયાએ ઉજવ્યો દિકરીનો બર્થ ડે....
20, નવેમ્બર 2020

મુંબઇ 

નેહા ધૂપિયા અને અંગદ બેદીની દીકરી મહેર 18મી નવેમ્બરે બે વર્ષની થઈ. નેહાએ સોશિયલ મીડિયા પર હવે તેના બર્થ ડે બેશની રસપ્રદ ઝલક શેર કરી છે. અંગદ સાથે વેન્યૂ પર તૈયારીઓ કરવાથી લઈને પરિવાર સાથે પોઝ આપવા સુધીની તસવીરો નેહાએ શેર કરી છે. નાનકડી મહેરની બર્થ ડે પાર્ટી 'મિકી અને મિની'ની થીમ પર રાખવામાં આવી હતી. મહેરની બર્થ ડે પાર્ટીમાં માત્ર કપલના પરિવારજનો જ હાજર રહ્યા હતા. નેહાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેમણે 'મિકી અને મિની'ની કેપ પહેરી છે. કેક પણ તેવી લાવવામાં આવી હતી.

પાર્ટીની કેન્ડિડ મોમેન્ટ્સ શેર કરતાં નેહાએ લખ્યું છે કે, 'પેરેન્ટિંગ એટલે અલ્ટિમેટ બેલેન્સિંગ એક્ટ...અને હા બર્થ ડે પાર્ટીની થીમ બરાબર રાખવી. અંગદ બેદી. તું એ છે જેની મને જરૂર છે.


મહેરના બર્થ ડેના દિવસે પણ નેહાએ કેટલીક તસવીરો શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહેર અને અંગદ સાથેની વિવિધ તસવીરો શેર કરીને નેહાએ લખ્યું હતું કે, "'અમારી નાનકડી ઢીંગલી. તું હંમેશા ઉત્સુક રહે, તને ગીતના શબ્દો ના આવડે તો પણ ગાતી રહે, કોઈ ના જોતું હોય તેમ ડાન્સ કરે, હંમેશા નવું શીખવાની ભૂખ રહે, પતંગિયાની પાછળ દોડતી રહે, તું જ્યાં પણ જાય ત્યાં ખુશીઓ ફેલાવે, તારા સ્મિતથી રૂમમાં અજવાળું ફેલાવે અને મોટી ગર્જના કરજે કારણકે દિલના ઊંડે તો તું હંમેશા અમારી નાનકડી સિમ્બા જ રહીશ'.

અંગદ બેદીએ પણ દીકરીના બર્થ ડે પર તેની સાથેની બે સુંદર તસવીરો શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, 'આજના દિવસે સવારે 11.25 કલાકે તારો જન્મ થયો હતો. અમારી દીકરી મહેરને જન્મદિવસની શુભકામનાઓ. આજે તું બે વર્ષની થઈ છે. તું જન્મી છે ત્યારથી અમારું જીવન આશીર્વાદ બની ગયું છે. અમે તને પામીને પોતાને નસીબદાર માનીએ છીએ. અમને તારા માતાપિતા તરીકે પસંદ કરવા માટે આભાર. હંમેશા કૃતજ્ઞ રહીશું'.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution