21, ફેબ્રુઆરી 2021
વડોદરા : આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે યોજાનારી ચૂંટણીની તૈયારી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. કુલ ૧૪.૪૬ લાખ મતદારો માટે ૪૦૪ બિલ્ડિંગોમાં ૧ર૯પ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર પ્રિસાઈડિંગ ઓફિસર અને અન્ય સ્ટાફ મળીને ૭૨૬૬ કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે મતદાન મથકો પર ૪૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે. આમ આવતીકાલે મતદારો ૨૭૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે.
વડોદરા મહાનગરપાલિકાની ૧૯ વોર્ડની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી માટે ર૭૯ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ૭,૪૦,૮૮૫ પુરુષ અને ૭,૦૫,૧૨૧ સ્ત્રી તેમજ ર૦૬ થર્ડ જેન્ડર મળીને કુલ ૧૪,૪૬,૨૧૨ મતદારો માટે ૪૦૪ બિલ્ડિંગોમાં ૧૨૯૫ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેમાં ૨૭૦ બિલ્ડિંગોમાં ૭૮૧ સામાન્ય મતદાન મથકો, ૧૦૮ બિલ્ડિંગમાં ૪૦૪ સંવેદનશીલ મતદાન મથકો તેમજ ૨૬ બિલ્ડિંગોમાં ૧૧૦ અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.
૧૨૯૫ મતદાન મથકો પર પ્રિસાઈડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ સહિત ૭૨૬૨ કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સંવેદનશીલ, અતિસંવેદનશીલ સહિતના મતદાન મથકો પર ૪૦૦૦ જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. આ ઉપરાંત કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર એક ટીમ રાખવામાં આવી છે જે થર્મલ ગન દ્વારા મતદારોનું ટેમ્પરેચર માપશે. ઉપરાંત પોલિંગ સ્ટાફને ફેસશીલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈઝર, પીપીઈ કિટ, એન-૯૫ માસ્ક વગેરે આપવામાં આવશે. મતદારોને પોલિથિન હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવશે.
દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ૧પપ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જાે કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોય અને તે મતદાન કરવા માગતા હોય તો તેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સમયના છેલ્લા એક કલાકમાં તેઓ મતદાન કરી શકશે.
૪૦૪ સંવેદનશીલ અને ૧૧૦ અતિસંવેદનશીલ મતદાન મથકો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૧૯ વોર્ડમાં ૧ર૯પ મતદાન મથકો ૪૦૪ બિલ્ડિંગોમાં ઊભા કરાયા છે જેમાં ૧૦૮ બિલ્ડિંગમાં ૪૦૪ સંવેદનશીલ મતદાન મથકો અને ર૬ બિલ્ડિંગોમાં ૧૧૦ મતદાન મથકો અતિસંવેદનશીલ છે, જેમાં સૌથી વધુ સંવેદનશીલ ૪૯ મતદાન મથકો વોર્ડ નં.૧૪માં ૯ બિલ્ડિંગમાં છે, જ્યારે સૌથી વધુ અતિસંવેદનશીલ રર મતદાન મથકો ૩ બિલ્ડિંગોમાં વોર્ડ નં.૧રમાં છે. વોર્ડ નં.૧૮માં એકપણ મતદાન મથક સંવેદનશીલ કે અતિસંવેદનશીલ નથી.
વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ૪૮.૭૧ ટકા મતદાન થયું હતું
વડોદરા મહાનગરપાલિકાની ર૦૧પમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૨,૪૭,૫૮૧ મતદારો હતા. જેમાં ૩,૩૮,૫૦૮ પુરુષ અને ૨,૬૯,૧૯૧ મહિલા મતદારોએ મતદાન કરતાં કુલ ૬,૦૭,૬૯૯ મતદારોએ મતદાન કરતાં કુલ ૪૮.૭૧ ટકા મતદાન થયું હતું. આ વખતે આસપાસના ૭ ગામોનો વડોદરા કોર્પોેરેશનની હદમાં સમાવેશ થવાની સાથે મતદારોની સંખ્યા લગભગ બે લાખ વધીને ૧૪,૪૨ લાખ થઈ છે, ત્યારે આ વખતે મતદાન વધે છે કે કેમ તે આવતીકાલે સાંજે ખબર પડશે.
મતદાન માટે કર્મીઓ સજ્જ મતદાન સામગ્રી લઈને રવાના
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી માટે બનાવવામાં આવેલા ૬ રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી તેમજ ઈવીએમ સહિતની સાધનસામગ્રી સાથે રૂટ મુજબ બસમાં રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે દરેક મતદાન મથકો પર આવતીકાલે યોજાનાર મતદાન માટેની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે મતદાન યોજાનાર છે. ત્યારે પોલિટેકનિક કોલજે, સમા કેન્દ્રીય વિદ્યાલય, વિનયવિદ્યા મંદિર કારેલીબાગ, અકોટા એસએનડીટી કોલેજ, બરોડા હાઈસ્કૂલ બગીખાના અને ભવન્સ હાઈસ્કૂલ મકરપુરા ખાતે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી તમામ પોલિંગ સ્ટાફને આજે બોલાવવામાં આવ્યા હતા અને પોલિંગ ટીમો બનાવી મતદાન માટે લગતા સાહિત્યની કિટ, હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈઝર વગેરે તેમજ ઈવીએમ સહિત્ની સાધનસામગ્રી સાથે રૂટ મુજબ ફાળવેલી બસોમાં રવાના કરવામાં આવ્યા હતા, જ્યાં બૂથ પર પોલિંગ કર્મચારીઓ દ્વારા આવતીકાલે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. પોલિટેકનિક સહિત કેટલાક ડિસ્પેચિંગ સેન્ટરની જિલ્લા કલેકટરે મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી.
કયા વોર્ડમાં કેટલા મતદારો, બૂથ, ઉમેદવારો અને બેલેટ યુનિટ
વોર્ડ મતદારો મથકો ઉમેદવારો બેલેટ યુનિટ
૧ ૭૫,૩૩૧ ૬૯ ૧૭ ૧૩૮
૨ ૬૭,૭૨૯ ૬૦ ૦૯ ૬૦
૩ ૬૫,૪૧૮ ૬૧ ૧૦ ૬૧
૪ ૬૬,૯૪૯ ૬૦ ૨૨ ૧૨૦
૫ ૭૧,૫૯૨ ૬૪ ૧૫ ૧૨૮
૬ ૮૨,૦૮૩ ૭૨ ૧૪ ૭૨
૭ ૭૭,૫૫૫ ૬૯ ૧૬ ૧૩૮
૮ ૮૫,૬૪૭ ૮૧ ૨૧ ૧૬૨
૯ ૮૫,૬૨૪ ૭૩ ૧૩ ૭૩
૧૦ ૮૮,૫૨૯ ૭૮ ૧૬ ૧૫૬
૧૧ ૮૧,૭૨૦ ૭૪ ૧૧ ૭૪
૧૨ ૭૯,૩૮૫ ૭૦ ૨૫ ૧૪૦
૧૩ ૬૬,૮૯૬ ૬૦ ૧૩ ૬૦
૧૪ ૮૨,૨૫૪ ૭૬ ૧૫ ૧૫૨
૧૫ ૭૫,૩૦૫ ૬૮ ૦૮ ૬૮
૧૬ ૭૭,૫૭૦ ૬૭ ૧૩ ૬૭
૧૭ ૬૬,૯૮૪ ૬૧ ૧૨ ૬૧
૧૮ ૭૧,૨૬૯ ૬૩ ૧૩ ૬૩
૧૯ ૭૮,૩૭૨ ૬૯ ૧૬ ૧૩૮
કુલ ૧૪,૪૬,૨૧૨ ૧૨૯૫ ૨૭૯ ૧૯૩૧