નવી દિલ્હી 

પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે. તેમના 10 ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝીલેન્ડ હેલ્થ મિનિસ્ટ્રીએ સંક્રમિત ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. બધા ખેલાડીઓ ક્રાઈસ્ટચર્ચ હોટલમાં જ આઇસોલેશનમાં છે. પાકિસ્તાનની ટીમ 23 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી.

ન્યૂઝીલેન્ડ હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થે આઇસોલેટ ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. તે 14 દિવસનો આઇસોલેશન પીરિયડ પૂરો કર્યા પછી જ ટીમ સાથે ટ્રેનિંગ કરી શકશે.

ન્યૂઝીલેન્ડના હેલ્થ ડાયરેક્ટર ડોક્ટર એશ્લે બ્લૂમફિલ્ડે કહ્યુ કે, "ટીમમાં સંક્રમણ વધવાનું જોખમ હોવાથી ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની ના પાડવામાં આવી છે. અમે કોઈ પ્રકારનું રિસ્ક લેવા માગતા નથી.

પાકિસ્તાનની ટીમ 3 T-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. પહેલી T-20 18 ડિસેમ્બરે, બીજી 20 ડિસેમ્બરે અને ત્રીજી 22 ડિસેમ્બરે રમાશે. જ્યારે પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરે માઉન્ટ માઉગનુઈ અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીએ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.