30, મે 2021
વડોદરા
ગટર ગંગા બની ગયેલી અને ગેરકાયદે બાંધકામોથી સાંકડી થઈ ગયેલી શહેર વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીના મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પર્યાવરણવાદીઓ અને જાગૃત નાગરિકોની લાંબા સમયથી ચાલતી લડતને પગલે રાજ્યમાં સૌ પ્રથમવાર કોઈ નદીના ઉદ્ગમ સ્થાનથી લઈને દરિયાને મળતા સુધીના પ્રવાહ અને આસપાસના વિસ્તારોનું સેટેલાઈટ મેપિંગનો આદેશ એનજીટીએ આપી ૧૫ દિવસમાં આ કાર્યવાહી પૂર્ણ કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે અને માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ આસપાસના ગેરકાયદે દબાણો, પુરાણ અને ગટરના પાણી છોડવાનું બંધ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.
સરકારના ત્રણ જુદા જુદા વિભાગો જેવા કે પાલિકાતંત્ર, કલેકટર કચેરીના જમીન માપણી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ભેગા મળી ૧૫ દિવસમાં જ સેટેલાઈટ મેપિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવા જણાવ્યું છે. વિશ્વામિત્રી નદીને પોતાની ઓળખ પાછી અપાવવા માટે લાંબા સમયથી લડત લડતા પર્યાવરણવાદીઓ અને જાગૃત નાગરિકોના સંગઠનના અગ્રણી રોહિત પ્રજાપતિએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદ અંગે આજે પત્રકારોને માહિતી આપી હતી.
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તંત્રની બેદરકારીના કારણે ગટરમાં ફેરવાઇ ગઇ છે. એ તો ઠીક તંત્રના પાપે નદીના કિનારાના વિસ્તારોમાં લોકોએ આડેધડ બાંધકામો કરી દીધા છે. તો વળી કેટલાક બિલ્ડરો દ્વારા પોતાના પ્રોજેક્ટોને સફળ બનાવવા માટે મોટાપાયે નદીમાં પુરાણ કરીને જમીન દબાણમાં કરી દીધી છે. દિવસે ને દિવસે વિશ્વામિત્રીની અસ્મિતા ભૂંસાઇ રહી હોવાથી પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ વિશ્વામિત્રી નદીને તેનું અસલી સ્વરૂપ આપવા સાથે નદી કિનારાના દબાણો દૂર કરવા અને જે પુરાણો થયા છે તેને દૂર કરાવવા માટે નેશનલ ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો, જેનો આજે નેશનલ ટ્રીબ્યુનલે ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે સેટેલાઇટથી મેપિંગ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.
પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી શરૂ થાય છે અને પિંગલવાડા સુધી પહોંચે છે, તેનું સેટેલાઇટથી મેપિંગ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદી પુનઃ જીવિત કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીની આસપાસ જમીનો ઉપર બિલ્ડિંગ બંધાઇ ગયા છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ કોર્પોરેશને પોતે વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવીને તેનું લેવલિંગ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા પાલિકા દ્વારા જ વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવીને પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ગેરકાયદે બાંધકામ અને જે નદીના પટમાં કચરો નાખીને સંપર્ક કર્યા છે, તેનું મેપિંગ કરવા આદેશ કર્યો છે, તેની સાથે-સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી છોડવું નહીં અને ચોખ્ખું પાણી વહેતું થાય તેવા પ્રયાસો કરવા પણ કોર્ટે જણાવ્યું છે.
નદીથી ૫૦૦થી ૮૦૦ મીટર સુધીનો વિસ્તાર ખૂલ્લો કરાશે
વિશ્વામિત્રી નદીના મુદ્ે લાંબા સમયથી લડત ચલતાવ પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ જણાવ્યું છે કે એનજીટીના ચુકાદામાં નદીની પોતાની જગ્યા ખૂલ્લી કરવાનો આદેશ છે. જેમાં નદીના કોતરો, લોલાઈન એરિયાની આસપાસનો વિસ્તાર પણ આવી જાય એટલે કોઈ જગ્યાએ નદીથી પ૦૦ મીટર તો બીજી જગ્યાએ ૮૦૦ મીટર સુધીનો વિસ્તાર ખૂલ્લો કરવાનો સ્પષ્ટ આદેશ છે. જેનું સેટેલાઈટ મેપિંગ ૧૫ દિવસમાં પૂર્ણ કરી ૯૦ દિવસમાં બાંધકામો, પુરાણ દૂર કરવા માટે જણાવ્યું છે.
એનજીટીના ૨૦૧૬ના વચગાળાના આદેશને નજરઅંદાજ કરાયો હતો
વડોદરા. વિશ્વામિત્રી નદી અંગે એનજીટીમાં લાંબા સમયથી લડાઈ ચાલતી હતી જેમાં ૨૦૧૬માં વચગાળાનો હુકમ પણ થયો હતો. પરંતુ તંત્રે એને ગંભીરતાથી લોધો ન હતો. જાે એ સમયથી જ કાર્યવાહી શરૂ કરી દીધી હોત તો અત્યારે આટલી બધી કાર્યવાહી નિયત સમયમર્યાદામાં ના કરવી પડત, એ નહીં થતાં અંતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આવા આદેશો કરવા પડયા છે.
પાલિકા માટે નદીમાં ગટરોનું પાણી છોડવાનું બંધ કરવું અત્યંત મુશ્કેલ બનશે
વડોદરા. એનજીટીના આદેશથી પાલિકા, કલેકટર કચેરીનો જમીન માપણી વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. સેટેલાઈટ મેપિંગ તો ૧૫ દિવસમાં પૂર્ણ થઈ શકશે. પરંતુ નદી અને આસપાસના વિસ્તારોને ૧૯૯૫ જેવી સ્થિતિએ લાવવા માટે અસંખ્ય બાંધકામો દૂર કરવા પડશે, જ્યારે સૌથી કપરું કામ નદીમાં છોડાતાં ગટરનાં પાણીને ત્રણ મહિનામાં બંધ કરવું પાલિકાતંત્ર માટે માથાના દુઃખાવા સમાન થશે. કારણ કે, એ માટે કાગળ પર જ લાંબા સમયથી બનાવાયેલી યોજના લાંબો સમય અને મોટો ખર્ચો માગે એવી છે.
આ લડાઈ પર્યાવરણવાદીઓ વિરુદ્ધ સરકારની નથી ઃ નાગરિકોએ સરકાર સાથે મળી નદીને સ્વરૂપ પાછું આપવાનું છે ઃ રોહિત પ્રજાપતિ
વડોદરા. એનજીટીનો આ ચુકાદો પર્યાવરણવાદીઓ વિરુદ્ધ સરકારનો નથી, પરંતુ નાગરિકોએ સરકાર સાથે મળી વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાનો છે એમ આદેશ માટે લાંબી લડત લડતા પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવી એનજીટીનો આ આદેશ માટે મીડિયાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી આભાર માન્યો હતો.
સયાજીગંજની વૈભવી સ્કીમોને અસર થશે
એનજીટીના ચુકાદથી સયાજીગંજ, મુજમહુડા, હરણી, કારેલીબાગ, ફતેગંજ સહિતના શહેરના અન્ય વિસ્તારોના કેટલાક બાંધકામો દૂર કરવા પડશે. ચુકાદામાં વિશ્વામિત્રી નદીના વેટલેન્ડ, જળસ્ત્રાવ ક્ષેત્ર, ફલેડ પ્લેન, ઉપનદીઓ, તળાવો, કોતરો બંનેુ બાજુની માટી ચોખ્ખી કરવા આદેશ અપાયો છે. ત્યારે સયાજીગંજ ભીમનાથ બ્રિજ બાદ કાંઠા ઉપરના તળાવો પૂરી બનાવાયેલી સયાજી હોટેલ ઉપરાંત બીજા ફલેટો અને દર્શનમ્ નામની સ્કીમનું બાંધકામ દૂર કરવું પડશે.