વડોદરા, તા.૨૭

શહેર નજીક આવેલ વરણામા પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષીય ભદ્રેશકુમાર ઉદેસિંહ સોલંકી (રહે. રત્નહેવન સોસાયટી, ડભોઇ રોડ, કાપુરાઇ ચોકડી, મૂળ હાલોલ જિ.પંચમહાલ)ને સંતાનમાં બે નાનાં બાળકો છે. ગતરોજ તેમની નાઈટ ડયૂટી હતી. રાતના ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી ફરજ પૂર્ણ કરી ભદ્રેશકુમાર તેમની મોટરસાયકલ લઈને ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં-૪૮ પર તરસાલી ડમ્પિંગ સ્ટેશન સામે સુરતથી અમદાવાદ તરફ જવાના માર્ગે એક આઇશર ટેમ્પો રોડની વચ્ચોવચ પાર્ક કરેલો હતો. જાેકે ડમ્પિંગ સ્ટેશન સામે ત્રીજા ટ્રેકનું પાર્કિંગ ખાલી હોવા છતાં રોડ વચ્ચે આઇશર ટેમ્પાચાલકે કોઇપણ પ્રકારનું રિફ્લેક્શન લગાડ્યા વગર ઊભો રાખ્યો હતો. માત્ર ઝાડની ડાળખીઓ મૂકી હતી. જેથી ટ્રક ઊભી રાખ્યાનો અંદાજાે લગાડવો મુશ્કેલ હતો. ડ્યૂટી પરથી પરત ફરી રહેલા ભદ્રેશ સોલંકીની બાઇક સવારે ૫.૨૦ કલાકની આસપાસ ડ્રાઇવર સાઇડની પાછળના ભાગે જાેરદાર ભટકાઇ હતી. આ અકસ્માતમાં ભદ્રેશકુમારને માથા અને શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હોઈ તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે, પોલીસ કોન્સ્ટેબલે પહેરેલું હેલ્મેટ પણ તૂટી ગયું હતું. આ બનાવને પગલે પોલીસ તથા પરિવારજનોને જાણ થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.