વડોદરા -

વડોદરા શહેરના કારેલીબાગ બહુચરાજી ખાસવાડી સ્મશાનમાં રાઉન્ડ ધ ક્લોક રાત-દિવસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવતાં સ્મશાનના ધુમાડાથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા આઠ મહિનાથી કોરોનાની વૈશ્વિક મહામારીમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા સંખ્યાબંધ દર્દીઓના કોરોનાની ગાઈડલાઈન મુજબ સેવા સદનના વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોની અંતિમવિધિ ખાસવાડી સ્મશાન ખાતે ગેસચિતામાં કરવાનો નિર્ણય લેવાયો હતો.

સમય જતાં કોરોનાની સરકારી ગાઈડલાઈનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી કોરોનાના તથા સામાન્ય કુદરતી મૃત્યુ પામેલી વ્યક્તિઓના અંતિમસંસ્કાર લાકડાંની ચિતા ઉપર કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. જેથી શહેરના સ્મશાનોમાં હવે ગેસચિતાની સાથે સાથે લાકડાંની ચિતા ઉપર કોરોના તથા કુદરતી મૃત્યુ પામેલા મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાનના માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના મૃતદેહોના અંતિમસંસ્કાર સાંજના સાત વાગ્યા પછી કરવામાં આવે છે, જ્યારે દિવસ દરમિયાન બિનકોરોના તથા અન્ય બીમારી કે કુદરતી મૃત્યુ પામેલ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. ખાસવાડી સ્મશાન ખાતે રાત-દિવસ ર૪ કલાક કોરોના તથા સામાન્ય મૃતદેહોના લાકડાંની ચિતા ઉપર અંગ્નિસંસ્કાર કરવામાં આવતાં કારેલીબાગ લક્ષ્મી એસ્ટેટ, નટરાજ એકલેવ, જલારામ કોમ્પલેક્સ અને જલારામ મંદિર વિસ્તારોમાં રાત્રિના સમયે મૃતદેહોનો સળગતો ધુમાડો મોટી માત્રામાં છેલ્લા કેટલાય સમયથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે અને દુર્ગંધ મારતા ધુમાડાથી ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા છે.