ગાંધીનગર, રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્રથી મેડિકલની નવી ૫૦૦ બેઠકો વધે તે માટેની કવાયત સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું.સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવામાં દિનપ્રતિદિન વધારો થાય તે માટે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના ઘર આંગણે જ તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દરેક જિલ્લા મથક ખાતે સ્થાનિક હોસ્પિટલને અપગ્રેડ કરીને ત્યાં મેડિકલ કોલેજાે ઉભી કરવાનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજાે ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરાઈ છે. જેમાં બોટાદ, દ્વારકા, મોરબી, ગોધરા અને રાજપીપળા ખાતે મેડિકલ કોલેજ ઉભી કરાશે. આ માટે કેન્દ્રની મેડિકલ કાઉન્સિલની ટીમ દ્વારા આ તમામ પાંચેય સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કરાયું હતું. જેમાં કેટલીક ક્વેરીઓ કાઢવામાં આવી હતી. આ મામલે આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજાે શરૂ થઇ જાય તેવા પ્રયાસો કરાયા છે. મેડિકલ કાઉન્સિલની ટીમ દ્વારા કરાયેલા નિરીક્ષણમાં બે સ્થળોએ જમીનની તેમજ બાકીના ત્રણ સ્થળોએ સ્ટાફ તેમજ અન્ય ક્ષતિઓ જણાવી હતી. જે અંગે રાજ્ય સરકાર દ્વારા આ તમામ ક્વેરીઓને વહેઈ તકે દૂર કરવાના પ્રયાસો કરાયા છે. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલને રિ-ઇન્સ્પેકશન માટેની રજૂઆત કરાઈ છે. આ રિ-ઇન્સ્પેકશન થઇ ગયા બાદ રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજાેને મંજૂરી મળી જાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ આગામી શૈક્ષણિક સત્રથી આ પાંચેય મેડિકલ શરુ થઇ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મેડિકલ કોલેજાે શરૂ થઈ જાય તો રાજ્યમાં મેડિકલની નવી ૫૦૦ બેઠકોનો વધારો થશે.