વડોદરા, તા. ૧૭

ગોત્રી વિસ્તારમાં રહેતા જમીન દલાલ ચેતન વાળંદને વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની પાસે પઠાણી ઉઘરાણી સાથે ધમકીઓ આપી તેમજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અરજી કરીને જમીન દલાલને આપઘાતની દૂષ્પ્રેરણા આપનાર ત્રણેય માથાભારે વ્યાજખોર ભરવાડોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપ્યા હતા. ગોત્રી પોલીસે માથાભારે વ્યાજખોર ત્રિપુટીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના નવ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

ગોત્રી વિસ્તારના લક્ષ્મીનગર-૧માં રહેતા ચેતનભાઇ વાળંદે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આપઘાત માટે ત્રણ માથાભારે વ્યાખોર સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડ જવાબદાર હોવાનું તેમજ વ્યાજખોરોએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પૈસા દબાવતા પોલસે પણ તેમણે વારંવાર ફોન કર્યો હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઘટસ્ફોટ કર્યો હતો. જાે કે છ દિવસ બાદ ચેતન વાળંદનું મોત નિપજતા તેમના પુત્રની ફરિયાદના પગલે ગોત્રી પોલીસે ઇક્ત ત્રણેય વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ગોત્રી પોલીસની નિષ્કાળજીથી ત્રણેય આરોપીઓ ફરાર થતા આ બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. જાે કે ગોત્રી પોલીસ હવામાં બાચકા ભરતી રહી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા વરજાંગ ઉર્ફ સુરેશ વસરામ છોટિયા, વિઠ્ઠલ વસરામ છોટિયા (વાલ્મિકીકૃપા સોસાયટી, કૃણાલ ચારરસ્તા,ગોત્રી) અને સાજન વસરામ છોટિયા (વિશ્રાંતી એસ્ટેટ, લક્ષ્મીપુરા)ને ગત રાત્રે વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપી પાડી તેઓને ગોત્રી પોલીસના હવાલે કર્યા છે. ગોત્રી પોલીસે ત્રણેય માથાભારે વ્યાજખોર સામે વિવિધ મુદ્દાઓ જેવા કે આરોપીઓએ ૧૦ ટકા વ્યાજે આપેલ નાણાં પેટે મકાનનો દસ્તાવેજ આરોપીઓએ આજ દિન સુધી પરત કરેલ ના હોય તે કબ્જે કરવાનો, વ્યાજે આપેલ નાણાં બાબતે આરોપીઓને સાથે રાખીને ઉંડાણ પુર્વક તપાસ કરવાની હોવા સહિત આ ગુનાના મુળ સુધી પહોચવા માટે આરોપીઓની હાજરી જરૂર હોય તેવા અનેક મુદ્દાઓ પર કોર્ટમાં રજુ કરીને ૧૪ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમા કોર્ટે ત્રણેય આરોપીઓના નવ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.