ભરૂચ, ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં પાલિકાના ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ થયા બાદ હવે બી ડીવીઝન પોલીસે હોસ્પિટલના ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ ૧લી મેની રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના ૧૬ દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ ૧૮ વ્યકતિઓ જીવતા ભુંજાય ગયાં હતાં. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં અને તપાસ શરૂ કરવામા આવી હતી. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ આઇપીસી ૩૦૪, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો નોંધાયો છે.આ મામલે.ભરૂચ પોલીસે હોસ્પિટલના ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.

ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા ૧૮ લોકોના મોત નિપજ્યા હતા. આ ગુનામાં ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં ટ્રસ્ટીઓમાં જુબેર મોહમ્મદ યાકુબ પટેલ, મહમદ ઈશાવલી રૂવાલા, ફારુક અબ્દુલ્લા પટેલ, યુસુફ ઈબ્રાહિમ પટેલ, ફારૂક યુસુફ પટેલ, સલીમ અહેમદઅલી પટેલ, અહમદ મહંમદ પટેલ, ખાલીદ મહંમદ પટેલ અને હબીબ ઇસ્માઇલ પટેલનો સમાવેશ થવા જાય છે.