19, ડિસેમ્બર 2020
ગાંધીનગર-
ઇન્ટર્ન તબીબો અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે આજે મળેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં ઇન્ટર્ન તબીબોની તરફેણમાં મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. ઇન્ટર્ન તબીબોના વેતનમાં વધારો કરાયો છે. ઇન્ટર્ન તબીબોને હવે 18,000 રૂપિયા વેતન મળશે. પહેલા 12,800 રૂપિયા વેતન મળતું હતુ. મહત્વનું છે કે, અન્ય રાજ્યની તુલનામાં હજુ પણ 18000 વેતન ઓછું છે. તબીબોએ હળતાલ દરમિયાન જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઇન્ટર્ન ડોક્ટરને 30 હજાર અને કેરળમાં પણ ડોક્ટરોને 28 હજાર વેતન ચૂકવવામાં આવે છે.
ઓછા વેતનને લઈ ઇન્ટર્ન તબીબો હળતાલ પર હતા. નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ત્રણેક દિવસ પહેલા આ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. ત્યારે સરકાર તરફે નીતિન પટેલે વેતન વધારવા ખાતરી આપી હતી આજે પણ નાયબ મુખ્યમંત્રી સાથે તબીબોની બેઠક મળી હતી એ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા વેતન વધારા અંગે જાહેરાત કરી છે.