વડોદરા, તા.૧૨

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વર્ગની ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી તા. ૨૬ એપ્રિલે બપોરે ૧૨ થી ૩ સુધીમાં કોર્પોરેશન ખાતે યોજાવાની હોવાથી આ ચૂંટણી માટે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપમાંથી માત્ર એક જ ફોર્મ ભરાયું છે એટલે આ બેઠક પર ઉમેદવાર બિનહરીફ જાહેર થશે. આજે ભાજપના મહિલા ઉમેદવાર નીપાબેન પટણી કે જેઓ શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ હિતેશ પટણીના પત્ની છે, તેમણે સમિતીના પ્રમુખ અને ઉપ પ્રમુખની ઉપસ્થિતીમાં ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યુ હતુ. આમ એક માત્ર ફોર્મ ભરાતા તેઓ બિન હરીફ જાહેર થશે.જાેકે બિનહરીફ થયાની સત્તાવાર જાહેરાત તા.૧૯ મી એ ફોર્મની ચકાસણી વખતે કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. શિક્ષણ સમિતિમાં ૧૫ સભ્યો હોય છે .જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત અને ૧૨ સભ્ય માટે ચૂંટણી યોજાતી હોય છે. અને મતદાન પાલિકામાં ચૂંટાયેલા કાઉન્સિલરો કરે છે.આ ૧૨ માંથી ૮ સભ્યો સામાન્ય વર્ગના હોય છે. આ આઠમાંથી એક સભ્ય હિતેશ પટણી જેઓ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા હતા અને તેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમના અવસાનથી જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસના ૭ છે. કોંગ્રેસએ આ ચૂંટણી માટે ફોર્મ ભર્યું ન હતું.