દે.બારીયા, આકરા ઉનાળાના દિવસોમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. તેવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા પટેલ પરિવારના એક ઘરમાં બપોરના સમયે અકસ્માતે લાગેલ આગમાં ઘરવખરી સર સામાન અનાજ કપડાં લતા રોકડ તેમજ ઘરમાં મૂકી રાખેલ દીકરીના કરિયાવરના દર દાગીના તથા કપડા લતા વગેરે સહિત ઘર બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા સાત લાખ જેટલું નુકસાન થયાનું દેવગઢબારિયા ફાયર સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પરંતુ આગ લાગવાનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા અમરસિંગ ધીરુભાઈ પટેલના નળિયાવાળા મકાનમાં બપોરના ચારેક વાગ્યાના સુમારે અચાનક અકસ્માતે આગ લાગી જતા તેઓના ઘરવાળાઓ તથા ફળિયાના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુને વધુ ફેલાઈને પ્રચંડ બનતા ફળિયા વાળાનો પ્રયાસ કારગત ન નિવડતા દેવગઢબારિયા ફાયર સ્ટેશને આગ અંગેની જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રચંડ આગને કાબૂમાં લેવા પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં ઘરવખરીનો સરસામાન, કપડા, અનાજ, ચાંદી રોકડ તથા આવનાર દિવસોમાં છોકરીના લગ્ન હોય છોકરીને આપવા માટે કરિયાવરના સોના ચાંદીના ઘરેણા તેમજ કપડા વગેરે ઘરની સાથે સાથે બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ૭ લાખનું નુકસાન કયાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગના કારણે ઘરબાર બળી જતા અમરસિંહ ધીરુભાઈ પટેલ તથા તેમનો પરિવાર રોડ પર આવી ગયો હતો. તેની આખી જિંદગીની કમાણી પળભરમાં બળીને રાખ થઈ જતા તે પરિવારના માથે દુઃખના ડુંગર ખડકાયા હતા. આવા સમયે દેવગઢબારિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગથી પ્રભાવિત પરિવારને મુસીબતના સમયમાં ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલી રૂપિયા ૧૦,૦૦૦/- ની મદદ કરી આગ થી પ્રભાવિત પરિવારને સાંત્વના આપી હતી.