રાજકોટ, બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. ચાલુ મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જાેકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા રાજકોટના લોકોમેળામાં દુર્ઘટના ઘટી હતી. જેમાં એક યુવક ટોરાટોરા રાઇડમાંથી નીચે પટકાયો છે. યુવક નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયું છે. આ દરમિયાન એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. યુવક નીચે પટકાયો હોવાનું ધ્યાનમાં આવી જતાં સંચાલકે રાઇડ બંધ કરી દીધી અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ગોંડલમાં ચાલી રહેલા લોક મેળામાં ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. એક જ દિવસમાં બે દુર્ઘટના ઘટી હતી, જેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત લોક મેળામાં ગુરુવારે બપોર બાદ નગરપાલિકાના કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો, તેને જાેતા ત્યાં હાજર નગરપાલિકાના જ ફાયરકર્મીએ તેને બચાવવા જાતા તેને પણ વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગ્યા બાદ બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બંનેને વધુ સારવારની જરૂર જણાતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં હતા. ગોંડલના મેળામાં રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે ૩૦ ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ વ્યક્તિનું નામ લાલજીભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ વ્યક્તિ ગોંડલ તાલુકાના વાછરા ગામેથી મેળો કરવા માટે ગોંડલ આવ્યો હતો, જ્યાં તેઓ યાંત્રિક રાઈડમા બેઠા હતા.

લોકમેળામાં જવા માટે મંગેતરે મનાઈ

ફરમાવતા આપઘાત કર્યો હોવાનો ખુલાસો

રાજકોટ જિલ્લાના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની સગાઇ બે મહિના પૂર્વે જ થઇ હતી અને મેળામાં જવા માટે મંગેતરે મનાઈ ફરમાવતા લાગી આવ્યું હતું. જેથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના જસદણના વીરનગરમાં રહેતી આરતી અનિલભાઈ સાકરીયા (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. હાલ જસદણ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક આરતીની બે મહિના પહેલા જ જસદણના બાખલવડ ગામે વિજય અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે સગાઈ થઈ હતી. તેઓ બંને શુક્રવારે સોમનાથ દર્શને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા અને બીજા દિવસે વિજયને બીલેશ્વર મેળામાં જવાનું કહેતા તેમણે બાઇક નહીં હોવાનું જણાવ્યું હતું અને જેને પગલે આરતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આરતી બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. આ અંગે જસદણ પોલીસ મથકના સ્ટાફે નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.