02, જુન 2021
રાજકોટ-
ગુજરાતમાં કોરોના વાયરસનો બીજી લહેર ધીમી પડી રહી છે. રાજ્યમાં સોમવારે ૧૬૮૧ નવા કેસ સાથે ૧૮ દર્દીઓના મોત થયાં છે. જ્યારે વધુ ૪૭૨૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. એટલે દૈનિક કેસની સરખામણીમાં ૩,૦૪૦ વધુ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જાેકે રાજ્યના ૨૬ શહેર-જિલ્લામાં નવા કેસ ૪૦થી પણ ઓછા નોંધાયા છે. જ્યારે ડાંગ અને બોટાદમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં રિકવરી રેટ વધીને ૯૪.૭૯ થયો છે. સોમવારે નોંધાયેલા ૧૬૮૧ કેસ ગઇકાલની સરખામણીમાં ૧૯૦ કેસ ઓછા નોંધાયા. જ્યારે મોતની સંખ્યા ગઇકાલ કરતાં ૭ ઘટી છે. રાજકોટમાં કોરોનાના આંકડા બતાવે છે કે, રાજકોટ જિલ્લામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. એપ્રિલ માસ રાજકોટ માટે સૌથી કપરો સાબિત થયો હતો. પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં સ્થિતિ થાળે પડી જશે તેવી આશા બંધાઈ છે.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને ૧૫૦ નીચે આવી ગઇ છે. સોમવારે નવા ૮૨ કેસ નોંધાયા છે. શહેરમાં રવિવારે ૧૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં ૫૧ કેસ મળી કુલ ૧૬૫ કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના ૪૧૦ ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૪૪ ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના ૪ ગામ જ કોરોના મુક્ત થયા છે.રાજકોટ જિલ્લામાં ૭૫ ગામમા ‘૦’ પોઝિટિવ કેસ નોંધાયા છે, તો સૌથી ઓછા ધોરાજી તાલુકામાં ૧૬ ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં ૫૪૨ સર્વેલન્સની ટીમે ૩૬૯૬૬ લોકોનો સર્વે કરતા માત્ર ૯૯ લોકોમાં જ લક્ષણો જાેવા મળ્યા હતા. રાજકોટમાં કોરોના કેસ ઘટવામાં રસીકરણ પણ મોટો રોલ ભજવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અનેક ગામ કોરોનામુક્ત બની રહ્યાં છે. આંકડા મુજબ, રાજકોટ જિલ્લાના ૧૮૯ ગામ કોરોના મુક્ત થયા છે