નવીદિલ્હી

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ કરી ઘરબેઠા કોરોના ટેસ્ટ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે કોરોના ટેસ્ટીંગ માટે ઘરે બેઠા ટેસ્ટીંગ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. આ પગલાંથી ટેસ્ટીંગમાં ઝડપ આવશે જ સાથે સાથે લોકો ઘરબેઠા જ કોરોનાનું ટેસ્ટીંગ પણ કરી શકશે.આ નિર્ણયથી લોકોને ઘણી સુવિધા પણ મળશે. અનેક વખત એવું બનતું હતું કે ટેસ્ટમાં ઘણો સમય લાગી જતો હતો પરંતુ હવે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. કોવિડ માટે હોમ બેઝડ ટેસ્ટીંગ કિટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ (આરએટી) કિટ છે. તેનો પ્રયોગ કોરોનાનાં હળવાં લક્ષણ અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોકરી શકશે. આ કિટથી વધુ ટેસ્ટ નહીં કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ટેસ્ટીંગ કિટની કિંમત 250 રૂપિયા નક્કી કરાઈ છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હસમુખ રવાલે કહ્યું કે આ ટેસ્ટ કિટ બજારમાં એક સપ્તાહની અંદર ઉપલબ્ધ બની જશે.

આઈસીએમઆર ઉપરાંત ડીજીસીઆઈએ પણ હોમ બેઝડ ટેસ્ટીંગ કિટને બજારમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. જો કે આ ટેસ્ટીંગ કિટ તુરંત બજારમાં ઉપલબ્ધ નહીં થાય તેથી તેને બજારમાં આવતાં થોડો સમય લાગી જશે. ઉલ્લેખનીય છે કે આઈસીએમઆરના કોવિડ માટે હોમ બેઝડ ટેસ્ટીંગ કિટને મંજૂરી આપ્યા બાદ હવે કોરોનાનું ટેસ્ટીંગ સરળ બની જશે. અત્યારે ભારતમાં માત્ર એક કંપનીને જ આ અંગેની મંજૂરી આપવામાં આવી છે જેનું નામ 'માય લેબ ડિસ્કવરી સોલ્યુશન' છે.

હોમ ટેસ્ટીંગ મોબાઈલ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોરે અને એપલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. તેને તમામ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. મોબાઈલ એપ ટેસ્ટીંગ પ્રક્રિયાની એક વ્યાપક માર્ગદર્શક છે જે પોઝિટીવ અથવા નેગેટિવ રિઝલ્સ બતાવશે. આ એપનું નામ 'માઈ લેબ કોવિસસેલ્ફ' છે.આઈસીએમઆરે કોરોના સંક્રમણની ભાળ મેળવવા માટે ઘરમાં અંધાધૂધ રેપિડ એન્ટીજન ટેસ્ટ નહીં કરવાની સલાહ આપી છે. સંગઠને કહ્યું કે લેબમાંથી જે લોકોની સંક્રમિત થવાની સ્પષ્ટતા થઈ હોય તેના નજીકના સંપર્કમાં આવનારા લોકો અને જેમનામાં સંક્રમણનાં લક્ષણો દેખાઈ રહ્યા હોય માત્ર એ જ લોકોએ રેપિડ કિટથી ટેસ્ટ કરવો જોઈએ. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા બાદ લોકોની બીજી વખત તપાસ કરવાની જરૂર નથી. આવાલોકોને સંક્રમિત જ ગણવામાં આવશે પરંતુ રેપિડ ટેસ્ટમાં જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય છતાં લક્ષણો હોય તો તેમણે તાત્કાલિક આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

કિટમાં શું શું આવશે

- એક્સ્ટ્રેક્શન ટયુબ

- નેઝલ સ્વાબ

- ટેસ્ટ કાર્ડ

- સેફટી બેગ