ફાયર એનઓસી વિનાની હોસ્પિ.માં હવે કોરોનાની સારવાર નહીં
29, મે 2021

વડોદરા : વડોદરા શહેરમાં ફાયર એનઓસી નથી તેવી હોસ્પિટલો હવે નવા કોરોનાના દર્દીઓને દાખલ કરી શકશે નહીં. મ્યુનિસિપલ કમિશનરે આ અંગેની સૂચના સાથે ફાયર એનઓસી ન ધરાવતી તમામ હોસ્પિટલોની પરવાનગી રદ કરવા તેમજ હાલ જે દર્દીઓ દાખલ છે તેમની સારવાર કરીને ડિસ્ચાર્જ આપવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં કોવિડની સારવાર કરતી રર૧ જેટલી હોસ્પિટલો પૈકી ૯૬ હોસ્પિટલોએ જ એનઓસી મેળવી હોવાનું જાણવા મળે છે.

રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બન્યા બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોના ચેકિંગ સાથે જે હોસ્પિટલોમાં સાધનોની કમી હોય કે ન હોય તેવી હોસ્પિટલોને સાધનોની પૂર્તતા કરવા અને ફાયર એનઓસી મેળવી લેવાની સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં હજુ કોવિડની સારવાર કરતી હોસ્પિટલો સહિત અનેક હોસ્પિટલોએ એનઓસી મેળવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ૬૮૧ જેટલી હોસ્પિટલો છે જે પૈકી ૨૨૧ જેટલી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટેની મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી ૯૬ હોસ્પિટલો પાસે જ ફાયર એનઓસી છે, જ્યારે ૧૨૫ જેટલી હોસ્પિટલોએ એનઓસી મેળવી નથી. ત્યારે મ્યુનિ. કમિશનરે આ સંદર્ભે જણાવ્યું છે કે કોરોના વાઈરસના સંક્રમણની પરિસ્થિતિ અને નામદાર હાઈકોર્ટના હુકમને અનુલક્ષીને કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે આ સંદર્ભે સૂચિત કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર અને આરોગ્ય વિભાગ દ્વારા ફાયર એનઓસી મેળવી લેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, છતાં હજુ અનેક હોસ્પિટલોએ એનઓસી મેળવી નથી. ત્યારે ફાયર એનઓસી ન ધરાવતી તમામ હોસ્પિટલોની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવાની સાથે આ હોસ્પિટલોમાં હવે પછી કોરોનાના નવા દર્દીઓને દાખલ કરી શકાશે નહીં, પરંતુ દાખલ દર્દીઓને સારવાર પૂરી કરીને ડિસ્ચાર્જ આપવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે કોવિડની પરવાનગી ધરાવતી અન્ય હોસ્પિટલોને ફાઈનલ ફાયર એનઓસી મેળવ્યા બાદ નવેસરથી માગણી કરીને પરવાનગી લેવાની રહેશે તેમ પણ જણાવ્યું છે.

ફાયર સેફટી અને નોડલ ઓફિસરની વિગતો આપવા હોસ્પિટલોને આદેશ

શહેરમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને ફાયર સેફટી અને ફાયર સેફટી નોડલ ઓફિસર તેમજ આઈસીયુના તાલીમ પામેલી ત્રણ વ્યક્તિઓને ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે રાઉન્ડ ધ ક્લોક કામગીરી સોંપવા અંગેની માહિતી પાલિકાને આપવા સૂચના આપવા છતાં વિવિધ હોસ્પિટલો દ્વારા યોગ્ય સલામતી અંગેની કાર્યવાહી થયેલ ન હોઈ માહિતી નહીં આપનાર હોસ્પિટલો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવી? તે અંગેનો ખુલાસો કરવા સૂચના આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution